શ્રીલંકા આત્મઘાતી હુમલો : રક્ષા સચિવ હેમાસીરી ફર્નાન્ડોએ રાજીનામું આપ્યુ

418

શ્રીલંકા સરકારે અહીં ૨૧ એપ્રિલના રોજ થયેલા સીરિયલ બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકોના આંકડા ઘટાડી દીધા છે. તેઓનું કહેવું છે કે, હુમલામાં ૨૫૩ લોકોનાં મોત થયા છે, અગાઉ ૩૫૯ લોકોનાં મોતના સમાચાર હતા.

શ્રીલંકા પોલીસે આ ફિદાયીન હુમલામાં સામેલ ૪ સંદિગ્ધોની તસવીરો જાહેર કરી છે, જેમાં બે મહિલાઓ છે. બીજી તરફ, ગુરૂવારે અહીં ૩૯ દેશોના યાત્રીઓ માટે વિઝા ઓન અરાઇવિંગ આપવાની સુવિધાને બંધ કરી દીધી છે.

આ હુમલા બાદ રક્ષા સચિવ હેમાસીરી ફર્નાન્ડોએ ગુરૂવારે પોતાના પદેથી રાજીનામુ આપી દીધું. પ્રેસિડન્ટ મૈત્રીપાલા સિરિસેનાએ દેશના પોલીસ પ્રમુખ પી. જયસુંદર અને રક્ષા એચ. ફર્નાન્ડને બુધવારે જ રાજીનામું આપવાનું કહ્યું હતું. પ્રેસિડન્ટે એમ પણ કહ્યું કે, આગામી અઠવાડિયે પોલીસ અને સુરક્ષાબળોનું નવેસરથી પુનર્ગઠન કરવામાં આવશે.

શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ કહ્યું કે, આતંકવાદી ફરીથી હુમલા શરૂ કરી શકે છે. હાલ શ્રીલંકામાં અનેક સંદિગ્ધ મોજૂદ છે અને તેમની પાસે વિસ્ફોટક હોઇ શકે છે.

પોલીસે જે સંદિગ્ધોની તસવીરો જાહેર કરી છે તેમના નામ મોહમ્મદ સાદિક અબ્દુલ હક, મોહમ્મદ કાસિમ મોહમ્મદ રિલવાન, પુલાસ્થિની રાજેન્દ્ર ઉર્ફ સારાહ અને ફાતિમા લતીફ છે. પોલીસે અન્ય એક મહિલા સંદિગ્ધની તસવીર અબ્દુલ કાદર ફાતિમાના નામથી જાહેર કરી છે. જો કે, બાદમાં જાણકારી મળી કે, તેઓ સામાજિક કાર્યકર્તા અમારા મજીદ છે ત્યારબાદ પોલીસે માફી માંગી લીધી.

હુમલા બાદ દેશમાં ૩૯ દેશો માટે અરાઇવલ વિઝા આપવાની સુવિધા થોડાં દિવસો માટે રદ કરવામાં આવી છે. વિદેશ મંત્રી અમારાતુંગાએ કહ્યું કે, અરાઇવલ વિઝા આપવાની તમામ વ્યવસ્થા કરી લેવામાં આવી હતી, પરંતુ હવે અમે નિર્ણય લીધો છે કે, હાલની સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને થોડાં સમય માટે તેને અટકાવી દેવામાં આવે. તપાસમાં હુમલામાં વિદેશી સંપર્કોનો ખુલાસો થયો છે અને અમે નથી ઇચ્છતા કે આ સુવિધાનો દુરૂપયોગ થાય.

Previous articleફરાર હિરાકારોબારી નિરવ મોદી ૨૪ સુધી રિમાન્ડ પર
Next articleરોહિત તિવારી હત્યા : પત્નિ અપૂર્વા જેલ ભેગી