ગુજરાતના ખેડૂતો સામે દાવો માંડનારી પેપ્સીકો સામે રોષ

874

રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક કરાવેલી ખાસ વેફર માટેની જાતના બટાકા ઉગાડવા બદલ વિશ્વની અગ્રણી ચિપ્સ બ્રાન્ડ લેઝની માલિક પેપ્સિકો ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના નવ ખેડૂતોને ગત સપ્તાહે કોર્ટમાં ઢસડી ગઈ છે. એટલું જ નહીં, બુધવારે પેપ્સિકોએ અમદાવાદની કોર્ટમાં આ દરેક ખેડૂત સામે રૂ. ૧-૧ કરોડની નુકસાની માગી છે, જે મોડાસાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તમામ સામે કરેલા પ્રત્યેક રૂ. ૨૦ લાખના નુકસાનીના દાવા ઉપરાંત છે. હવે આ સમાચાર ફેલાતાં જ દેશભરના ટ્‌વીટરાટીસ એટલે કે ટ્‌વીટરનો ઉપયોગ કરનારાએ પેપ્સિકો સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો છે. દેશના ગરીબ ખેડૂતોને ખાવાના સાંસા છે ત્યાં તેમની પર આમ ૧-૧ કરોડનો દાવો માંડીને પેપ્સિકોએ પોતાની બેશરમીનું સૌથી મોટું ઉદાહરણ આપ્યું હોવાની લાગણી વ્યક્ત કરતા ટ્‌વીટરાટીસે હવેથી પેપ્સીની તમામ બ્રાન્ડ અને પ્રોડક્ટનો બહિષ્કાર કરવાની ધમકીઓ પણ આપી છે. જેને પગલે હવે પેપ્સીકો સામે અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાંથી વિરોધ અને આક્રોશ સામે આવી રહ્યા છે. ટવીટર પર નિર્દોષ ખેડૂતો સામેનો કેસ પાછો ખેંચવા પેપ્સિકો પર દબાણ લાવવા સરકારને અનુરોધ કરવામાં આવ્યો છે. તો, મોટાભાગની ટ્‌વીટ્‌સમાં પેપ્સિકોને ગાળો ભાંડવામાં આવી છે. જ્યારે ૧૯૦થી વધુ ચળવળકારો-કાર્યકરો અને ખેડૂત હિમાયતીઓએ સરકારને વિનંતી કરી છે કે તે પેપ્સિકો પર દબાણ લાવે જેથી આ પ્રકારના ખોટા કેસ તે કરે નહીં અને કરેલા કેસ પણ પાછા ખેંચે. પેપ્સીકોનો દાવો છે કે, તેની પાસે જે બટાકાની જાતને ઉગાડવા માટેના પ્લાન્ટ વેરાઈટી પ્રોટેક્શન (પીવીપી) રાઈટ્‌સ છે તેનું આ ખેડૂતોએ ઉત્પાદન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પેપ્સીએ અમદાવાદની કોર્ટમાં પોતાના દાવામાં ચારમાંથી પ્રત્યેક ખેડૂત પાસે રૂ. ૧-૧ કરોડની નુકસાનીની માંગણી કરી છે.

Previous articleEPF પર વ્યાજદર વધારી ૮.૬૫ ટકા કરાયો : છ કરોડને સીધો લાભ
Next articleગુજરાતમાં આગઝરતી ગરમીથી લોકો પરેશાન