નર્મદા નીર આપવાની માંગ સાથે વસોયા ઉપવાસ ઉપર

573

છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર સૌરાષ્ટ્રમાં ગંભીર જળસંકટ ઉભુ થયુ છે, લોકો પાણી માટે રીતસરના વલખાં મારી રહ્યા છે. પાણીના એક એક ટીપાં માટે તરસતા લોકોની વેદના અને વ્યથા વચ્ચે પાણી પ્રશ્ને રાજકારણ ગરમાયું છે. ઉપલેટા-ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ભાદર-૨ ડેમનું કેમિકલયુક્ત પાણીને બદલે નર્મદાનું પાણી આપવાની માંગ નાયબ કલેક્ટરને લેખિતમાં કરી હતી. પરંતુ કોઇ જવાબ નહી મળતા આજે તેઓ નાયબ કલેક્ટર કચેરી ખાતે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા. વસોયાની સાથે અન્ય ખેડૂતો અને સ્થાનિક આગેવાનો પણ જોડાતાં સ્થાનિક રાજકારણ ગરમાયું હતું. આખરે સાંજ સુધીમાં નાયબ કલેકટર સહિતના સત્તાધીશો તરફથી ૬૦ જેટલા ગામોને નર્મદાનું પાણી પૂરું પાડવાની બાંહેધરી અપાતાં લલિત વસોયાએ ઉપવાસના પારણાં કર્યા હતા. માણાવદર અને કુતિયાણા સહિતના પંથકોમાં આઠથી દસ દિવસમાં નર્મદાનું પાણી અને પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં આવશે અને સ્થાનિક લોકોને પાણી પૂરું પાડવામાં આવશે તેવી તંત્ર દ્વારા બાંહેધરી મળતાં લલિત વસોયાએ પોતાના ઉપવાસ સંકેલ્યા હતા. જો કે, તેમણે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે, જો સરકાર દ્વારા આ બાંહેધરીનું પાલન નહી કરાય અને લોકોને પાણી નહી મળે તો, ગાંધી ચિંધ્યા અને ભગતસિંહના માર્ગે પણ આંદોલન છેડશે. ગઇકાલે રાજકોટ જિલ્લાની પાણીની સમસ્યા માટે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની બેઠક યોજાઇ હતી. આમંત્રણ આપ્યું હોવા છતાં પણ લલિત વસોયા આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા નહોતા.

સૌરાષ્ટ્રના ગામોમાં નર્મદાના પાણીની ઉગ્ર માંગણી સાથે લલિત વસોયાની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો આ આંદોલનમાં જોડાયા હતા. ઉપવાસ પર બેસતા પહેલા લલિત વસાયોનું ધોરાજી સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં ડાયાબીટીસ અને સુગર લેવલ હાઇ હોવાનું રિપોર્ટમાં આવ્યું હતું. તબીબોએ ઉપવાસ ન કરવા સલાહ આપી હતી. આમણાંત ઉપવાસ કરવાથી વસોયાની તબીયત લથડી શકે તેવી ચેતવણી અપાઇ હતી. લલિત વસોયા ઉપવાસ પર બેસતા જ ગણતરીના કલાકોમાં તંત્ર દોડતું થઇ ગયું હતુ અને ધોરાજી સહિતના કેટલાક પંથકોમાં નર્મદા નીર શરૂ કરી દેવાયું હતું. ધોરાજી સહિતના વિસ્તારની પાણી સમસ્યા મામલે લલીત વસોયાએ નાયબ કલેક્ટરને રજૂઆત કરી હતી. વસોયાએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ધોરાજી, માણાવદર અને કુતિયાણા તાલુકાના ૬૦ જેટલા ગામોમાં ભાદર-૨ આધારિત જોતી યોજનામાંથી પીવા માટે પાણી આપવામાં આવી રહ્યું છે. જે જેતપુર ડાઈંગ અને પ્રિન્ટિંગના યુનિટોનું કલર અને કેમિકલયુક્ત પાણી છે જે પાણી પીવાલાયક નથી, છતાં તંત્ર દ્વારા માનવતા નેવે મૂકી આપવામાં આવી રહ્યું છે. જેતપુર, ધોરાજી, ઉપલેટાને પીવા માટે નર્મદાનું પાણી કરોડોના ખર્ચે બલ્ક યોજના અંતર્ગત આપવાનું નક્કી થયું હતું. આ યોજના ઘણા સમયથી પૂર્ણ થઈ ગઈ હોય તેમ છતાં લોકોને હેરાન કરવાના ઇરાદાથી ભાદર-૨ ડેમનું પ્રદૂષિત પાણી આપવામાં આવી રહ્યું છે. તેમણે તાત્કાલિક નર્મદાનું પાણી આ ગામોમાં મળે તેવી વ્યવસ્થા ગોઠવવા માંગણી કરી હતી. સાંજ સુધીમાં ખુદ નાયબ કલેકટર સહિતના સરકારી સત્તાધીશોએ વસોયાને આ અંગેની બાંહેધરી આપતાં લલિત વસોયાએ તેમના ઉપવાસના પારણાં કર્યા હતા.

Previous articleગુજરાત ૭૪ ટકા ઘન કચરાના નિકાલ સાથે દેશમાં બીજા ક્રમે
Next articleરાજયના ૭૫ હજારથી વધુ વિદ્યાર્થી નીટમાં હાજર રહ્યા