ખાતર મુદ્દે સાવરકુંડલા સહિત કેટલાક સ્થળો ઉપર જનતારેડ

706

છેલ્લા બે-ત્રણ દિવસથી સમગ્ર સૌરાષ્ટ્ર સહિતના રાજયના જુદા જુદા વિસ્તારોમાં ખાતર કૌભાંડનો વિવાદ જોરદાર રીતે ગરમાયો છે. ગઇકાલે કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો દ્વારા ખેડૂતોને સાથે રાખી વિવિધ યાર્ડ અને ગોડાઉનમાં જનતા રેડ કરી ખાતરની તપાસણી કરતાં ખાતરના જથ્થામાં ઘટ હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી ત્યારે આજે પણ અમરેલી જિલ્લાના બાબરામાં કોંગ્રેસના આગેવાનો અને સાવરકુંડલામાં કોંગી ધારાસભ્ય પ્રતાપ દુધાતે ખેડૂતો સાથે સુવિધા કેન્દ્રમાં જનતા રેડ કરી હતી. રાજયના અન્ય સ્થળોએ પણ આવી જનતા રેડ અને બોરીઓમાં ખાતરનો જથ્થો ઓછો હોવાની વાત સામે આવતાં ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો હતો. અમરેલી જિલ્લાના બાબરામાં જનતા રેડ દરમ્યાન ખાતરની થેલીઓમાંથી સરેરાશ ૧૦૦થી ૫૦૦ ગ્રામ ખાતર ઓછુ હોવાનું સામે આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનોની જનતા રેડ જોઈને સંચાલકોએ ડેપો બંધ કરી દીધો હતો. જેથી ખેડૂતોએ પુરતુ ખાતર આપવાની માંગ કરી છે. બીજી તરફ સાવરકુંડલામાં પણ ધારાસભ્ય પ્રતાપ દુધાતે સુવિધા કેન્દ્રમાં રેડ પાડી હતી. જે દરમિયાન સુવિધા કેન્દ્ર બંધ જોવા મળતાં રોષે ભરાયા હતા અને સંચાલકોને બોલાવીને ઉઘડા લીધો હતો. નોંધનીય છે કે અહીંયા વજનકાંટા વગર જ ખેડૂતોને ખાતર આપવામાં આવતું હતું. સરદાર ખાતરની ૫૦ કિલો ગુણીમાં ૧ કિલો ૪૦૦ ગ્રામ ખાતર ઓછું હોવાનું સામે આવ્યું હતું.

જેને લઈને ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો. રાજકોટના જેતપુર સહિત રાજયના જુદા જુદા સ્થળોએ ખાતર કૌભાંડની વિગતોના પર્દાફાશ અને મચેલા ખળભળાટ વચ્ચે ગઇકાલે રોષે ભરાયેલા ખેડૂતો અને સ્થાનિક આગેવાનો દ્વારા સાણંદ, રાજકોટ સહિતના રાજયના જુદા જુદા સ્થળોએ જનતા રેડ અને દરોડા પાડયા હતા અને માર્કેટ યાર્ડ અને ગોડાઉનમાં રખાયેલા ખાતરના જથ્થાને તપાસ્યો હતો, જેમાં પણ ખાતરનું વજન નિયત કરતાં ઓછુ નીકળતાં હવે સમગ્ર મામલામાં રાજયવ્યાપી કૌભાંડનો સમગ્ર મામલો ગરમાયો છે. બીજીબાજુ, હવે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા સહિત કોંગી આગેવાનો દ્વારા સમગ્ર ખાતર કૌભાંડમાં ન્યાયિક તપાસની માંગ કરી હતી. સાણંદમાં ગઇકાલે કોંગ્રેસના સ્થાનિક આગેવાનો દ્વારા ખેડૂતોને સાથે રાખી જીએસએફસીના ગોડાઉનમાં જનતા રેડ કરવામાં આવી હતી અને ગોડાઉનમાં ખાતરની બોરીઓનું વજન કરી તપાસણી કરવામાં આવી હતી, જેમાં દરેક બોરીમાં ૩૦૦થી ૪૦૦ ગ્રામ સુધીનું ખાતરનું ઓછુ વજન સામે આવતાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો હતો. દરમ્યાન રાજકોટ માર્કેટ યાર્ડમાં ગઇકાલે સરદારના ડીએપી ખાતરની થેલીમાં વજન ઓછુ આવતા વેચાણ પર પ્રતિબંધ લગાવી કૃષિમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા. સરદાર બાદ રાજકોટના મઘરવાડા સહકારી મંડળીમાં ઇફ્‌ફકોના ખાતરમાં પણ વજન ઓછુ હોવાનું સામે આવતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ઇફ્‌કોના એનપીકેના ખાતરમાં ૫૦.૧૨૦ કિલો સામે ૪૯.૮૦ કિલો ખાતર હોવાનું સામે આવતાં તંત્ર દોડતુ થઇ ગયું હતું. મઘરવાડા સહકારી મંડળીમાં આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ રેડ પાડી હતી. જેમાં ખાતરની થેલીમાં વજન ઓછુ હોવાનું સામે આવ્યું હતું. ૨૦૧૩માં પણ મઘરવાડાના ખેડૂતો દ્વારા છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી હતી. ઓછુ ખાતર હોવાને કારણે ખેડૂતો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેતપુર, રાજકોટની જેમ જામનગર જિલ્લાના જામજોધપુરના ગોડાઉનમાં વજન ઓછું હોવાનું સામે આવ્યું હતું. ડીએપી સિવાયની અન્ય ખાતરની બોરીના નિયત વજન કરતાં ઓછું વજન સામે આવ્યું હતું. રાજયમાં એક પછી એક અનેક સ્થળોએ ખાતરના જથ્થામાં કટકી અને કૌભાંડને લઇ હવે વિપક્ષ કોંગ્રેસે પણ મામલામાં ન્યાયિક તપાસની માંગ કરતાં રાજકારણ ગરમાયું છે.

Previous articleનેટ બેન્કિંગનો ઉપયોગ કરનારા લોકો સાથે લાખોની છેતરપિંડી કરનાર ૫ શખ્શની ધરપકડ
Next articleગીરમાં શાકાહારી પ્રાણીઓની વસતી ગણતરી કરાશે, ૨૦ ટીમ બનાવાઈ