ગાંધીનગરમાં રોડ પર બર્થ-ડે સેલેબ્રેશન પર પ્રતિબંધ

560

સુરત બાદ ગાંધીનગરમાં પણ રોડ પર જન્મદિવસની ઊજવણી કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો કે અમદાવાદ શહેરમાં હજી સુધી રોડ પર મોડી રાતે આ રીતે જન્મદિવસની ઊજવણી કરવા પર પ્રતિબંધ અંગે કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી. કોઈપણ સારી એવી બાબત જેમાં લોકોનું હિત જળવાય છે અને પોલીસને તેના પર પ્રતિબંધ ફરમાવવાની ફરજ પડે છે ત્યારે સુરત શહેર પોલીસ પહેલા નોટિફિકેશન બહાર પાડે છે અને બાદમાં અન્ય શહેરમાં આ બાબત પર પ્રતિબંધ અંગેના નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે.

પબજી ગેમ બાબતે પણ સૌ પહેલા સુરત પોલીસ દ્વારા પ્રતિબંધ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. બાદમાં રાજકોટ સહિત અન્ય શહેરોમા પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. મોડે મોડે અન્ય શહેરમાં લાગતા પ્રતિબંધ બાદ અમદાવાદ પોલીસ કમિશનરે પણ પ્રતિબંધ લગાવવાની ફરજ પડી હતી.

રાજ્યનું સૌથી મોટું શહેર અમદાવાદ છે જ્યાં વધુ આવા પ્રતિબંધની જરૂર છે. ત્યાં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં નથી આવતું. જ્યારે બધા શહેરોમાં આવા પ્રતિબંધ અંગે જાહેરનામાં બહાર પડે ત્યારબાદ જ અમદાવાદ પોલીસને જાણે મજબૂરીમાં પ્રતિબંધ મૂકીને છેલ્લે જાહેરનામું બહાર પાડવું પડે છે.

સુરતમાં ૧૨મી જુલાઈ ૨૦૧૯ સુધી જાહેનામુ લાગુઃ રાત્રિના સમયે જાહેર બાગ, બગીચા, રસ્તા, બીઆરટીએસ કોરીડોર, બ્રિજ કે અન્ય જાહેર સ્થળોએ અન્ય વ્યકિત પર જબરજસ્તીથી બળપૂર્વક કેક કે સેલોટેપ લગાવવી કે કેમિકલ વગેરે કોઈ ફોમનો ઉપયોગ કરી જાહેર જનતાને ત્રાસદાયક રીતે કે જાહેર સંપતિને નુકસાન થાય તે રીતે જાહેર જગ્યામાં જન્મ દિવસની ઉજવણી પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

આ જાહેરનામાનું પાલન તા.૧૪-૫-૧૯થી આગામી તારીખ ૧૨મી જુલાઈ ૨૦૧૯ સુધી રહેશે.

Previous articleવાન ઝાડ સાથે અથડાઈ જતા ગલુદણના સરપંચના પુત્રનું મોત
Next articleમેઘરજ તાલુકામાં ઘાસચારાની તંગીમાં વૃક્ષોનો પાલો ખાવા પશુઓ મજબૂર