જિલ્લામાં ફાયર સેફ્ટીની ચુસ્ત અમલવારી માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને તંત્રની બેઠક મળી

651

ગાંધીનગર જિલ્લામાં સુરત શહેર ખાતે બનેલ દુઃખદ ઘટના જેવી આગ અકસ્માતની અને અન્ય  કોઇ પણ પ્રકારની ઘટના ના બને તેના માટેના યોગ્ય તકેદારીના પગલા તેમજ સુવ્યવસ્થિત આયોજન અને ફાયર સેફ્ટીની ચુસ્ત અમલવારી માટે જિલ્લા કલેકટર એસ.કે.લાંગાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વહીવટી તંત્રની બેઠક મળી હતી. આ બેઠકમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર રીટાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મંગુબેન ચૌધરી સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠકના આરંભે સુરતમાં બનેલી ઘટનામાં મૃત્યૃ પામેલ બાળકોને શ્રધ્ધાજંલિ અર્પણ કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટર એસ.કે.લાંગાએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં જે દુઃખદ ઘટના બની છે, તેવી ઘટના કે અન્ય કોઇ પણ દુઃખદ ઘટના ગાંધીનગર જિલ્લામાં ન બને તેની ખાસ તકેદારી રાખવા માટે અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું. કોઇ પણ પ્રકારના કોમ્પ્લેક્ષ, બહુમાળી ભવન કે અન્ય મકાનના બાંધકામ ટાઉન પ્લાનરની પરવાનગી મુજબ, બી.યુ. પરવાનગી તથા ફાયર સેફ્ટીની પરમીશન મુજબ બાંધકામ થાય અને નિર્માણ થયેલા છે, ત્યાં ફાયર સેફટી અંગેની ખાસ ચકાસણી કરવા માટે જણાવ્યું હતું. આ કામગીરી દરમ્યાન કમનસીબીના નામે કોઇ વાત ઢોળવાની નથી. આપણે આપણી ફરજ પુરી નિષ્ઠાથી બજવવાની છે. આ ફરજમાં કોઇની પણ શરમ ન ભરવા ખાસ ભારપુર્વક જણાવ્યું હતું.

બાળકોની સેફ્ટીથી આગળ કશું જ નથી,જેથી નિયમોનુસાર કામગીરી કરવાનું કહી કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાની હદમાં આવતાં તમામ સ્થળોએ ચાલતાં ખાનગી ટયુશન કલાસ, સ્પર્ધાત્મક પરીક્ષાના કલાસીસ, ખાનગી લાયબ્રેરીઓ, હોસ્પિટલ, હોટલ, શાળાઓ જેવી તમામ ઇમારતમાં ફાયર સેફટી અંગેની યોગ્ય ચકાસણી કરવાની રહેશે. તેની સાથે સાથે ઔધોગિક ઝોનમાં પણ ફાયર સેફટીની ચકાસણી કરવા માટે પણ સંબંધિત અઘિકારીને સૂચના આપી હતી.  તેમજ આ માટે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર, નગરપાલિકા વિસ્તાર અને ગ્રામ્ય ક્ષેત્રે માટે અલગ અલગ ટીમની રચના કરવા પણ જણાવ્યું હતું. નિયમોનુસાર તમામ સ્થળોની ચકાસણી કરીને ખૂબ ત્વરિત રીપોર્ટ દરેક ટીમને આપવા પણ જણાવ્યું હતું. તે ઉપરાંત વાલીઓને પણ જાગૃત થવા અનુરોધ કર્યો હતો.

સુરતની ઘટના પર દુઃખ વ્યક્ત કરીને ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર રીટાબેન પટેલે જણાવ્યું હતું કે, બહુમાળી ભવનો અને શાળાઓમાં ફાયર સેફટીની ખાસ ચકાસણી કરવામાં આવશે. તે ઉપરાંત ખાનગી ટયુશન કલાસીસના માલિકોને અત્યાર સુધી ગમે તે રીતે કલાસ ચલાવ્યા છે, પરંતુ હવે, બાળકોની સેફ્ટી માટે ખાસ ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા ભારપૂર્વક જણાવ્યું છે. તેમજ વાલીઓને પણ આ અંગે જાગૃત થવા જણાવ્યું છે. ફાયર સેફટીની ચકાસણી નિયમોનુસાર જ કરવા અને કોઇની પણ શરમ ન ભરવા માટે અધિકારીઓને ભારપુર્વક જણાવ્યું હતું.

ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર ર્ડા રતનકંવર ગઢવી ચારણે જણાવ્યું હતું કે, સુરતની ઘટના બાદ સમગ્ર મહાનગરપાલિકાનું તંત્ર ગઇકાલ રાતથી જ આ દિશામાં હરકતમાં આવી ગયું છે. નિયામોનું ઉલ્લંધન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કડક હાથે લેવામાં આવશે, તેવું પણ જણાવ્યું છે.

Previous articlePOS મશીન વગર ખાતરનું વેચાણ કરતા ૨૨ વિક્રેતાઓના ID રદ કરાયા
Next articleસુરત અગ્નિકાંડ મામલે ટયુશન કલાસીસના સંચાલકની ધરપકડ