અરવલ્લી જિલ્લામાં ફાયરસેફ્ટી મામલે તપાસ કરી કાર્યવાહી હાથ ધરી

767

સુરતમાં ગોઝારી ઘટના બાદ રાજ્યમાં દરેક જિલ્લાઓનું તંત્ર દોડતું થયું છે જેના પગલે અરવલ્લી જિલ્લાનું તંત્ર પણ સફાળું જાગીને શનિવારના રોજ દોડતું થઈ ગયું હતું.નગરપાલિકા દ્વારા મોડાસા શહેરમાં દરેક ક્લાસીસ તેમજ હોસ્ટેલોમાં ફાયર સેફ્ટી અંગે તપાસ હાથ ધરી હતી. જ્યારે અરવલ્લી કલેક્ટર દ્વારા પણ ટીમો બનાવીને જિલ્લામાં આવેલ દરેક ક્લાસીસ, હોસ્ટેલ, ગેસ્ટહાઉસ, હોટલો, હોસ્પિટલ સહિતની લોકોની વધારે અવરજવર વાળી જગ્યાઓ પર ફાયર સેફ્ટી અંગે ચેકીંગ કરવાના આદેશો આપી દેવામાં આવ્યા હતા. સુરતમાં ઘટેલી દુર્ઘટનાએ સમગ્ર રાજ્યમાં પડઘા પાડ્યા છે. આ દુર્ઘટનાને પગલે રાજ્યનું તંત્ર એલર્ટ થઈ ગયું હોય તેમ દરેક જિલ્લામાં ફાયર સેફ્ટી અંગે તપાસ શરૂ કરાવી દીધી છે જેના પગલે અરવલ્લી જિલ્લામાં પણ સફાળા જાગેલા તંત્રએ શનિવારના રોજ મોડાસાના ટ્યુશન ક્લાસીસ તેમજ હોસ્ટેલ, હોસ્પિટલ, હોટેલ, રેસ્ટોરન્ટ, સ્કૂલ સહિત જ્યાં લોકોની અવર જવર વધુ પ્રમાણમાં રહેતી હોય તેવી જગ્યાઓ પર ફાયર સેફ્ટી છે કે કેમ તે અંગેની તપાસ શરૂ કરી દીધી હતી.

જો કે આ અગાઉ નવગુજરાત સમયે અહેવાલ પણ પ્રસિધ્ધ કર્યો હતો કે અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર ટ્યુશન ક્લાસીસો ધમધમે છે. ત્યારે શનિવારના રોજ મોડાસા ખાતે નગરપાલિકા તંત્રએ દરેક ક્લાસીસો અને હોસ્ટેલોમાં ફાયર સેફ્ટી છે કે કેમ અને પાલિકાની એન.ઓ.સી. મેળવી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી હતી. કલેક્ટર દ્વારા ટીમો કાર્યરત કરાઈ અરવલ્લી કલેક્ટર એમ.નાગરાજન દ્વારા જુદી જુદી ૬ તાલુકામાં ટીમો બનાવી દેવામાં આવી હતી. મોડાસા શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે છ ટીમો બનાવવામાં આવી છે. જ્યારે ભિલોડા માટે બે ટીમ, મેઘરજ તાલુકામાં બે ટીમ, બાયડ શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માટે ચાર ટીમ, ધનસુરા તાલુકા માટે બે ટીમો અને માલપુર તાલુકા માટે બે ટીમો તપાસ હાથ ધરશે. અરવલ્લી જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ટીમ બનાવી તપાસ કરવાની રહેશે તેમજ દરેક ટીમો પાસેથી કરેલ કામગીરી અંગેના રીપોર્ટ આપવા માટેના હુકમો કરાયા હતા.

Previous articleડભોડા ગામમાં ઉમિયા માતાનાં દિવ્ય રથનું ભવ્ય સ્વાગત કરાયું
Next articleપાલનપુરની ગૌશાળામાંથી ૩.૭૨ લાખની કિંમતનો ૬૨ કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો