ગ્રીનસીટીના વૃક્ષો સાથેના ટ્રી-ગાર્ડને માટીથી દાટી દેવાયા

482

એક તરફ સામાજિક સંસ્થા ગ્રીનસીટી શહેરને હરીયાળુ બનાવવા સતત ઝઝુમી રહ્યું છે અને બીજી તરફ સરકાર દ્વારા વૃક્ષો વાવવાનું તો એક તરફ રહ્યું પરંતુ મહામહેનતે ગ્રીનસીટી સંસ્થા દ્વારા મોટા કરેલા વૃક્ષોને નુકશાન પહોંચાડી રહી છે. તાજેતરમાં શહેરના એરપોર્ટ રોડ ઉપર આવેલા બાલા હનુમાન મંદિરની બાજુમાં કોર્પોરેશન એ ઢોરને પકડવા તબેલો બનાવ્યો છે. આ તબેલાની ખોદેલી માટી બહારની બાજુએ આવેલા ગ્રીનસીટીના વૃક્ષોના ટ્રી ગાર્ડ ઉપર ઠાલવી આખે આખા ટ્રી ગાર્ડ વૃક્ષો સાથે દાટી દેવામાં આવ્યા છે. આ અંગે ગ્રીનસીટીના દેવેનભાઇ શેઠે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો કોર્પોરેશન આ માટીના ઢગલાં ત્યાંથી દૂર નહીં કરે તો કોર્પોરેશન ઉપર આકરા પગલાં તેમની સંસ્થા લેશે. આ તો એના જેવું છે કે જ્યાં સરકાર જ ચોર હોય ત્યાં ફરિયાદ કોને કરવી ? દેવેનભાઇએ જણાવ્યું હતું કે અમો આના ફોટોગ્રાફ્સ મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રી મોદીને પણ મોકલશું. શું સરકાર આ રીતે પર્યાવરણને પ્રોત્સાહન આપી રહી છે ? અત્રે ઉલ્લેખનીય છે કે એકાદ મહિના પહેલા આની સામેની જગ્યાએ પ્રાઇવેટ સાઇટના કોન્ટ્રાક્ટર દ્વારા ગ્રીનસીટીના વૃક્ષ સાથેના ૧૧ ટ્રી-ગાર્ડને માટીથી દાટી દેવામાં આવ્યા હતા. આની ગ્રીનસીટી દ્વારા કમિશ્નરને લેખિતમાં ફરિયાદ કરવા છતાં આજ સુધીમાં કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. બહેરૂં કોર્પોરેશન હવે આંધળું પણ થઇ ગયું છે. જેને અવડા મોટા વૃક્ષ તથા ટ્રી ગાર્ડ દેખાતા નથી. દેવેનભાઇએ જણાવ્યું હતું કે હવે અમોને કોર્પોરેશનમાં ફરિયાદ કરવાનો કોઇ અર્થ દેખાતો નથી. અમારી સંસ્થા સીધી મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રી ને જ આ અંગે ફરિયાદ કરશે. સરકારની તો વૃક્ષ વાવવાની ત્રેવડ નથી પરંતુ જે સંસ્થા પૂરા તન-મન-ધનથી વૃક્ષો વાવી અને ઉછેરી રહી છે. તેને રક્ષણ કરવાની સરકારની ફરજ છે.

Previous articleરાજકોટ ખાતે ભાવેણામાં પ્રિયાબા જાડેજાને સ્ક્રિલ એવોર્ડ અપાયો
Next articleરાજુલા પાલિકાના સત્તાધીશોએ લોકો સાથે અંબરીશ ડેરની આગેવાનીમાં વિકાસના કામો અંગે કર્યો સંવાદ