RTIમાં ટ્રસ્ટના હિસાબની માહિતી માગનારા લેક્ચરર પર હુમલો

515

ગાંધીનગરના સરગાસણ પાસે સ્પર્ધાત્મક પરીક્ષાના લેક્ચરર તરીકે કામ કરતાં અમદાવાદના વિરલ પટેલે સુરતના એક દંપતી સહિત ૮થી ૯ લોકો સામે મારમારી અને લૂંટની ફરયાદ નોંધાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે સરકારી ગ્રાન્ટ લઈ ચાલતા ટ્રસ્ટ વિશે આરટીઆઈ કરી હોવાથી તેમની પર હુમલો કરાયો હતો. તો સામે પક્ષે મહિલાએ પણ લેક્ચરર સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે.

પાલડીમાં રહેતા વિરલ પટેલે સેક્ટર-૭ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર સોમવારે તેઓ સરગાસણમાં ક્લાસીસમાં લેક્ચર લેવા ગયા હતા, ત્યારે જગદીશ પટેલ, પિનલ પટેલ, રતિલાલ પટેલ, સાવન સહિત પાંચ લોકોએ તેમને ગડદાપાટુનો માર મારી તેમની ચેઈન, ફોન અને પર્સ જેમાં બે હજાર હતા તે તેઓ લઈ ગયા હતા. બીજી તરફ પિનલ પટેલ (સુરત)એ પણ ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ જગદીશભાઈ અમદાવાદમાં શ્રીજી કેળવણી મંડળ ચલાવે છે. તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવે છે. ૨૦૧૫માં વિરલ પટેલ તેમના ત્યાં લેક્ચર લેવા આવતા હતા, પરંતુ તેમના ખરાબ વર્તનના લીધે તેમને કાઢી મુકાયા હતા. વિરલ પટેલ ખોટી બદનામી કરતાં હોવાથી તેઓ માતા સાથે તેમને સમજાવા ગયા ત્યારે વિરલે માતા-પુત્રી સાથે ઝપાઝપી કરી પિનલને માર મારીને ગળામાંથી ચેઈન ખેંચી લીધી હતી. વિરલ પટેલના આક્ષેપ મુજબ જગદીશભાઈ શ્રીજી કેળવણી મંડળ ટ્રસ્ટ સરકારી ગ્રાન્ટ લઈ ચલાવે છે, જે કૌભાંડ હોવાથી વિરલ પટેલે આદિજાતિ વિકાસ વિભાગમાં આરટીઆઈ કરી સંસ્થાના નાણાકીય હિસાબોની વિગત માગી હતી. આ મુદ્દે જગદીશ પટેલે ધમકી આપતા એકાદ વર્ષ પહેલાં વિરલ પટેલે પોલીસમાં અરજી કરી હતી. જોકે નવેમ્બર-૨૦૧૮માં જગદીશ પટેલના સસરાએ ફોન પર મારી નાખવાની ધમકી આપતા આ મુદ્દે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ હતી.

Previous articleરક્ષાશક્તિ સર્કલ પાસે અંડરગ્રાઉન્ડ કેબલમાં શોર્ટસર્કિટથી ધડાકા
Next articleયાત્રાધામ બહુચરાજી મંદિર પરિસરમાં વિધ્નહર્તાના દર્શન માટે ભકતોનો ઘસારો