ત્રણ પુત્રોએ ૯૩ વર્ષની માતાને તરછોડી : પુત્રીએ આશરો આપ્યો

551

ત્રણ-ત્રણ પુત્રો હોવા છતાં ૯૩ વર્ષનાં વૃદ્ધાને જીવનની ઢળતીસંધ્યાએ પુત્રીના ઘરે આશરો લેવાનો વારો આવ્યો છે. મોટપ ગામનાં આ વૃદ્ધાએ પુત્રો પાસેથી ભરણ પોષણ મેળવવા અને ઘરેલુ હિંસાથી બચવા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન બેઇઝડ મહિલા સહાયતા કેન્દ્રની મદદ માંગી છે. જાણીને નવાઇ લાગશે કે, દર ચાર મહિને ત્રણે પુત્રના ઘરે ફરતાં રહેતાં વૃદ્ધા પાસેથી તમામ મિલકતો નામે કરાવી તેમને ભગવાન ભરોસે મૂકી દીધા છે.

પતિના મૃત્યુ બાદ મહેસાણા નજીકના મોટપ ગામનાં રેવાબા માટે તેમના ૩ પુત્રો જ જીવનનો એક આધાર હતા, પરંતુ જ્યારે પુત્રોએ જ તેમને ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિમાં મૂકી દેતાં તેમનું જીવન નરક સમાન બની ગયું છે. પુત્રીના ટેકે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન સ્થિત મહિલા સહાયતા કેન્દ્રમાં પહોંચેલા ૯૩ વર્ષનાં રેવાબાની આંખોમાં આંસુ સાથે એક જ ફરિયાદ હતી કે, અભણતાનો લાભ લઇ અંગૂઠા કરાવી પુત્રોએ જમીન, મકાન પડાવી લીધું તેની સામે ભરણપોષણ અપાવો અને પુત્રો દ્વારા ગુજારાતી ઘરેલુ હિંસાથી બચાવો. અત્રે હાજર કાઉન્સિલર નિલમબેન પટેલ અને યામિનીબેન રાઠોડે કરેલા કાઉન્સેલિંગ દરમિયાન વૃદ્ધાએ કહ્યું કે, મારી મિલકત પુત્રોએ લીધી છે તો પુત્રી પર મારી સેવાચાકરીની જવાબદારી નાખી શકું નહીં. જ્યારે પુત્રના ઘરે રહેતી હતી ત્યારે તે કામધંધે જાય ત્યારે તેની પત્ની ખૂબ જ માર મારતી. મારી પાસે ખૂબ જ કામ કરાવતી હતી અને કહેતી કે, જો તારા દીકરાને કંઇ કીધું તો હું જમવામાં ઝેર આપીને મારી નાખીશ. જોકે, સંસ્થા દ્વારા વૃદ્ધાના ત્રણે પુત્રોને બોલાવવા નોટિસ કાઢવા સહિતની કાર્યવાહી કરાઇ છે.

પુત્રોએ જીવતા જીવ વડિલોપાર્જીત મિલકતમાંથી મારું અને દીકરીઓનું નામ કમી કરાવી વારસાઇ અધિકારથી વંચિત કરી હતી. મિલકત વેચીને મારા નામે મૂકેલા એક લાખ રૂપિયાને આધારે એકલવાયુ જીવતી હતી, પરંતુ તબિયત બગડતાં સમાજના આગેવાનો સામે ચાર-ચાર મહિના રાખવાની શરતે લઇ ગયા. પરંતુ એક વર્ષ બાદ જીવવું હરામ કરી દીધું હતું અને મારા એક લાખ રૂપયા પણ પડાવી લીધા હતા.

વૃદ્ધાએ આક્ષેપ કરતાં કહ્યું કે, ગત ૨૯ એપ્રિલે પુત્ર ગણપતભાઇ અંબાલાલ પટેલ અને તેની પત્ની લીલાબેને મને લાફા અને ઘીબા મારી ઘરની બહાર કાઢી મૂકતાં હિંમત કરીને રિક્ષામાં બીજા દીકરા અરવિંદના ઘરે ગઇ હતી. પરંતુ અહીંથી પણ જાકારો મળ્યો અને પુત્ર અને પુત્રવધૂ પરત મોટા દીકરાના ઘરે મૂકી ગયા ત્યારે પણ તેને ઘૂસવા દીધી નહી અને સોસાયટીમાં તમામની હાજરીમાં મારા ઘરમાં કદી પગ ના મૂકતી કહી અપમાનિત કરી હતી. આ ઘટના બાદ પુનઃ અરવિંદના ઘરે ગઇ ત્યારે તેની પત્નીએ કેનાલમાં કેમ નથી પડતી તેમ કહી ધક્કો મારીને કાઢી મૂકી હતી

Previous articleતાલુકા પંચાયતની સામાન્ય સભામાં પાંચ કરોડના વિકાસ કામોને મંજુરી
Next articleવિદ્યાર્થિનીઓને આપવાની સાઈકલો ખૂલ્લામાં રખાતા નુક્સાનની સંભાવના