ગુજરાતના ૪૦૦થી વધુ પૂર્વ ધારાસભ્યોની અપમાનજનક સ્થિતિ, ૭ પત્રો લખ્યા છતાં CM જવાબ નથી આપતા

600

ગુજરાતના ૪૦૦થી વધુ પૂર્વ ધારાસભ્યોના સંગઠન એક્સ એમ.એલ.એ. કાઉન્સિલ દ્વારા પેન્શન સહિતના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવા માટે મુખ્યમંત્રીને સાત સાતવાર પત્રો લખીને મુલાકાત માગી છતાં મુલાકાત તો ઠીક પણ જવાબ આપવાનું પણ સૌજન્ય દાખવતા નથી. કાઉન્સિલના ચેરમેન બાબુભાઈ મેઘજી શાહે રાજ્ય સરકાર સામે આક્રોશ ઠાલવતા કહ્યું કે, અન્ય રાજ્યોમાં પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવામાં આવે છે તો ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને કેમ નહીં?, આ મામલે ભાજપના પૂર્વ મંત્રી જય નારાયણ વ્યાસે પણ ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી.

આ અંગે બાબુભાઈ શાહે વધુમાં ઉમેર્યું કે, આજે ઘણા બધા પૂર્વ ધારાસભ્યોને બે છેડા ભેગા કરતા આંખે પાણી આવી જાય છે. આ પ્રકારના અનેક પૂર્વ ધારાસભ્યો આજે પણ આપણી વચ્ચે છે. જ્યારે બીજી બાજુ રાજ્ય સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોના પગારો અત્યારની મોંઘવારીને અનુલક્ષીને સારા એવા વધારી દેવામાં આવ્યા છે, આવો પક્ષપાત કેમ રાખવામાં આવે છે તે સમજાતું નથી. પૂર્વ ધારાસભ્યો પણ વિતેલા જમાનાના સંનિષ્ઠ લોકસેવક છે. જેઓએ પ્રમાણિકતાથી પ્રજાકીય કામો કર્યા છે. પોતે ધારાસભ્ય નથી એટલે પ્રજાનું કામ નહીં કરે એવા નિષ્ઠુર નથી. આ સિવાય પૂર્વ ધારાસભ્યોની ઘણી બધી પડતર માગણીઓ હજુ સુધી સંતોષાઈ નથી. જે માટે કાઉન્સિલે અનેકવાર પત્રો લખી સરકારને યાદ અપાવી છે.

Previous articleવિદ્યાર્થિનીઓને આપવાની સાઈકલો ખૂલ્લામાં રખાતા નુક્સાનની સંભાવના
Next articleશહેરમાં નવા રથમાં ભગવાન જગન્નાથ નગરચર્ચાએ નીકળશે