વૈદિક પરિવાર દ્વારા સન ગેઝીંગ અને વ્યવહાર કુશળતા દ્વારા માનસિક પ્રસન્નતા વિષયો ઉપર વ્યાખ્યાનો યોજાયા

440

વૈદિક પરિવાર દ્વારા આયોજિત વૈદિક વ્યાખ્યાનમાળા અંતર્ગત વ્યવહારકુશળતા દ્વારા માનસિક પ્રસન્નતા તથા સન ગેઝીંગ વિષય ઉપર વક્તવ્ય રવિવાર ૩૦ મી જુન, ર૦૧૯ના રોજ સાંજે ઈજનેરી સ્ટાફ ટ્રેનીંગ કોલેજ, ગાંધીનગર ખાતે યોજવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વૈદિક પરિવારનાં સભ્યો ઉપરાંત અનેક સંસ્થાઓના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ કાર્યક્રમમાં રોટરી ક્લબનાં ઝોન ચેરમેન તથા વૈદિક પરિવારના ટ્રસ્ટી અરવિંદભાઈ રાણાએ સન ગેઝીંગ  કેવી રીતે કરવું, કયા સ્થળે કયા પ્રકારે કેટલો સમય કરવું તેની સમજ આપી હતી. તેમણે સન ગેઝીંગના ત્રણ તબકકાઓ વિષે ચર્ચા કરતા કહ્યું હતું કે પ્રથમ તબકકામાં  માનસિક,  બીજા તબકકામાં શારીરિક તથા ત્રીજા તબકકામાં  આધ્યાત્મિક વિકાસ થાય છે. અરવિંદભાઈએ આ ત્રણેય તબકકાઓ વિશે ઉંડાણથી વૈજ્ઞાનિક ઢબે સમજ આપી હતી. શ્રોતાઓ તરફથી સન ગેઝીંગ કરવા અંગે પૂછાયેલ પ્રશ્નોના જવાબ પણ તેમણે સંતોષકારક આપ્યા હતા.

વૈદિક પ્રવક્તા શ્રીમાન અવધેશપ્રસાદ પાંડેયએ મનની પ્રસન્નતા માટે રામરાજય જેવી ઉત્તમ વૈદિક વ્યવસ્થા ઉપર ભાર મૂક્યો હતો.  જેનો વ્યવહાર જૂઠૃો છે, જે અધર્મ પ્રવૃત્તિમાં રત છે, જે વ્યસની છે, જે પોતાની ઈન્દ્રિયોનો દુરુપયોગ કરી રહ્યો છે તેનું મન કદી પ્રસન્ન રહી શકે નહિ.

માનસિક પ્રસન્નતા માટે કૃષિપ્રધાનતા, ગૌધન, ભૂધનની પ્રચુરતા તથા સાત્વિક ભોજન અને  આસ્તિકતાની અનિવાર્યતા પર તેમણે ભાર મુક્યો હતો. વૈદિક પરિવારના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ગાંધીએ વૈદિક પરિવાર દ્વારા કરવામાં આવતી ધાર્મિક, સામાજિક, સેવાકીય અને વિદ્યાર્થીઓનાં વિકાસલક્ષી પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી. આ પ્રવૃત્તિઓનો વ્યાપ હવે ગાંધીનગર ઉપરાંત અનેક શહેરોમાં થઈ રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

આ કાર્યક્રમના સહયોગકર્તા ગાંધીનગરની ડી.સી.બેંક હતી. આ બેંકના બ્રાંચ મેનેજર હિરેનભાઈ ક્ષત્રિય પોતાની ટીમ સાથે ઉપસ્થિત હતા. હિરેનભાઈએ ડી.સી.બી. બેન્ક વિષે માહિતી આપી હતી. કાર્યક્રમના ઉદ્‌ઘોષક ભાવપ્રકાશ ગાંધી હતા.

Previous articleવાડજના ચકચારી હત્યા કેસના આરોપીઓ ગાંધીનગરથી ઝબ્બે
Next articleવરસાદ ખેંચાતા છત્રી-રેઈનકોટનો વેપાર નીરશ : વેપારીઓ મુઝાયા