સેન્ટ્રલ સોલ્ટ ખાતે જમીન અને પાણી પરીક્ષણ કાર્યક્રમની શરૂઆત

844

સી.એસ.આઈ.આર.-સેન્ટ્રલ સોલ્ટ અને મરીન કેમીકલ્સ રીસર્ચ ઈન્સ્ટીટયુટ, ભાવનગર (ગુજરાત) માં સીએસઆઈઆર-એકીકૃત કૌશલ્ય પહલ અંતર્ગત જમીન અને પાણી પરિક્ષણ વિશ્લેષક નું ૩૦ દિવસના તાલીમનો શુભારંભ તા. ૦૧ જુલાઈથી કરવામાં આવ્યો છે. હાલમાં, આધુનિક ખેતી માટે જમીન અને પાણીની ચકાસણી ખેડુત માટે એક જરૂરિયાત બની ગઈ છે. આ પ્રકારના પરિક્ષણ માટી પરિક્ષણ પ્રયોગશાલા અથવા માટી પોષક વિશ્લેષણ પ્રયોગશાળામાં કરવામાં આવે છે. ખેડૂતોની ઉપજમાં વધારો કરવા માટે, ભારત સરકારે માટી અને પાણીમાં પોષક તત્વોની ચકાસણી જમીન પરિક્ષણને અત્યંત આવશ્યક બતાવ્યું છે. ભારત સરકાર ખેતીની આવક બમણી કરવા માટે પ્રતિબદ્ધ છે અને આ માટે આધુનિક ખેતીની વિવિધ તકનીકોની ભલામણ કરી છે. સોઈલ હેલ્થ કાર્ડ આ શ્ર્રૃંખલાની કડી છે. જમીન અને પાણી પરિક્ષણમાં રોજગારીની સંભાવના ઘણી છે. આ ક્ષેત્રમાં સ્પર્ધા પણ ઓછી છે અને કૃષિ અયોગ્ય જમીન અને જીવનશૈલીનો પણ વિકાસ કરી શકાય છે. આ ક્ષેત્રમાં શિક્ષિત વ્યકિત સ્વરોજગાર હેઠળ ખેતી વિભાગમાં જમીન અને પાણી વિશ્લેષણ કેન્દ્રની સ્થાપના કરી શકે છે. આ ઉપરાંત ભારત સરકાર અથવા રાજય સરકારના જમીન પરિક્ષણ પ્રયોગશાલા માં રોજગારી પણ મેળવી શકે છે. તાલીમ દરમ્યાન તાલીમાર્થીઓને ખેતી સંબંધિત જમીન અને પાણીના વિશ્લેષણ સાથે જોડાયેલા વિવિધ વિષયોની તાલીમ આપવામાં આવશે. આ કાર્યક્રમના ઉદઘાટનમાં સંસ્થાના વૈજ્ઞાનિક ઈન્ચાર્જ અને સંકલિત કૌશલ્ય પહલના નોડલ અધિકારી ડો. એસ. કન્નને તાલીમની આવશ્યકતા અને તેના મહત્વ ઉપર માહિતી આપી. આ સાથે તેમણે સંસ્થાની મહત્વની શોધો અને પ્રવૃતિઓ વિશે જાણકારી આપી. પ્રોગ્રામના ઉદ્‌ઘાટન સમારોહનું સંચાલન કરતા વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. અવિનાશ મિશ્રાએ જ્ઞાન અને કુશળતા વિશે ઝીણવટપૂર્વક સમજાવ્યું. ડો. પી.કે. અગ્રવાલે બાયોટેકનોલોજી અને શેવાળ વિભાગની અલગ અલગ પ્રવૃતિઓ વિશે જાણકારી આપી. વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. ડી.આર. ચૌધરીએ જમીન અને પાણી પરિક્ષણ વિશ્લેષક તાલીમ કાર્યક્રમની રૂપરેખા અને વર્તમાન દષ્ટિકોણમાં તેની ઉપયોગીતાની માહિતી જણાવી. આ તાલીમ કાર્યક્રમમાં ગુજરાત અને રાજસ્થાનના અલગ અલગ વિસ્તારમાંથી તાલીમાર્થીઓ આવેલ છે. આ તાલીમ કાર્યક્રમ સંસ્થામાં ૧ જુલાઈ થી ૯ ઓગસ્ટ, ર૦૧૯ સુધી ચાલુ રહેશે.

Previous articleવલભીપુર દવાખાના સામે પાર્કીંગ રૂમનો સ્લેબ ધરાશાયી
Next articleસિહોરમાં પાણીવેરા વધારાનાં વિરોધમાં કોંગ્રેસનું આવેદનપત્ર