ટડાવ પાસે કેનાલમાં ૨૫ ફૂટનું ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યું

731

બનાસકાંઠામાં આવેલી નર્મદા વિભાગની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. આજે શુક્રવારે ફરીથી વાવ પાસેના ટડાવ ગામ પાસેથી પસાર થતી માઇનોર કેનાલમાં ગાબડું પડ્‌યું હતું. જેના કારણે કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે.

બનાસકાંઠા જિલ્લામાં કેનાલમાં છાસવારે ગાબડા પડી રહ્યા છે. અને કેનાલ બનાવ્યા બાદ એક પણ મહિનો કેનાલમાં ગાબડા પડ્‌યા વગરનો પસાર થયો નથી. હર એક મહિને કેનાલમાં નાના મોટા ગાબડા પડી રહ્યા છે. ચોમાસાની સિઝનમાં ગઈકાલે જ નર્મદા વિભાગ દ્વારા કેનાલમાં પાણી છોડાયું હતું. પાણી છોડવાની સાથે જ ફરી આજે વહેલી સવારે વાવ તાલુકાના ટડાવ ગામ પાસે પસાર થતી માઇનોર કેનાલમાં ગાબડું પડ્‌યું હતું.

૨૫ ફૂટ જેટલું ગાબડુ પડતા કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યું હતું. એક તરફ ખેડૂતો દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિથી બેહાલ છે. ત્યારે બીજી તરફ કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે.

લોકોએ વારંવાર નર્મદા વિભાગ અને સરકારમાં રજૂઆત કરી હતી. લેખિત રજૂઆતો કરી હતી તેમ છતાં પણ હજી સુધી કેનાલમાં ગાબડા પાડવાનો સિલસિલો યથાવત રહેતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

Previous articleવહેલી સવારે અમદાવાદના નવરંગપુરા સ્ટેડિયમ પાસે ક્લાસીસમાં આગ ભભૂકી
Next article‘નારી તુ નારાયણી’…મહિલાઓને ૧ લાખ સુધીની મુદ્રા લોન