ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની ૧૧૮મી જન્મજયંતિ નિમિત્તે ભાજપાના સદસ્યતા અભિયાનનો શુભારંભ કરાવતાં મુખ્યમંત્રી

441

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજરોજ અમદાવાદ ખાતે ઉપસ્થિત રહી સદસ્યતા વૃધ્ધિ અભિયાન તેમજ સદસ્યતા વૃધ્ધિ અભિયાનના ગુજરાતી થીમ સોંગનું લોન્ચીંગ કર્યુ હતુ. ભાજપાના સદસ્યતા અભિયાનનો શુભારંભ કરાવતાં રૂપાણીએ જણાવ્યુ કે, કાશ્મીરમાં ‘‘દો વિધાન, દો પ્રધાન અને દો નિશાન’’ની વિરૂધ્ધમાં આંદોલન કરતાં પોતાના પ્રાણની આહુતિ આપનાર ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની આજે ૧૧૮મી જન્મજયંતિ નિમિત્તે આજરોજ ભાજપાના સંગઠન પર્વનો શુભારંભ થઇ રહ્યો છે, ત્યારે આપણા માટે એક ગૌરવપૂર્ણ વાત છે.

રાષ્ટ્રપ્રથમની વિચારધારા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર ડૉ. શ્યામાપ્રસાદજીનું બલિદાન ક્યારેય એળે નહીં જાય. કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે અને રહેશે તેના માટે ૩૭૦ની કલમ ભાજપા દુર કરીને રહેશે.

રૂપાણીએ જણાવ્યુ કે, કોંગ્રેસ કરતાં ભાજપાનું સંગઠન ખૂબજ અલગ છે. કેટલાય શહેરોમાં કોંગ્રેસના કાર્યાલય અને સંગઠનનો જ અભાવ છે. કોંગ્રેસમાં તો કાર્યકરોને લગતા કાર્યક્મનો જ અભાવ છે. કોંગ્રેસ એટલે માત્ર સત્તા માટે હવાતિયા મારતું ટોળું છે, જ્યારે ભાજપા માટે સત્તા એ સેવાનું માધ્યમ માત્ર છે. ભાજપા પંચનિષ્ઠામાં માનનારો પક્ષ છે. અંત્યોદયનો વિકાસ એ જ ભાજપાનું લક્ષ્ય છે. જે ૨૦૧૯-૨૦ના ઐતિહાસિક બજેટમાં ચરિતાર્થ થયું છે. ૨૦૧૯-૨૦નું બજેટએ કોર્પોરેટ બજેટ નહીં પરંતુ ગરીબ, ગામડુ, મહિલા અને શોષિતોનું બજેટ છે.

રૂપાણીએ જણાવ્યુ કે, ભાજપાના પ્રત્યેક કાર્યકર માટે કોઇપણ ચૂંટણીએ એક પડાવ સમાન છે, જેમાં વિશ્રામ ક્યારેય હોતો નથી. ચૂંટણી પર્વ પછી તરત જ સંગઠન પર્વ એટલે ગંગાનો પ્રવાહ. આ પ્રવાહમાં અનેક લોકો જોડાયા છે, જેમાં કાળમીંઢ પથ્થર પણ શાલીગ્રામ બની જાય તેવું સંગઠન ઉભું કરવા માટે આ સંગઠન પર્વ ખૂબજ અનિવાર્ય છે. ભાજપાનું આ સંગઠન પર્વ સૌના માટે સર્વવ્યાપી અને સર્વસ્પર્ષીય બની રહેશે. દેશભરમાં ખુણે-ખુણે ભાજપાની વિચારધારા પહોંચાડવા માટે ભાજપાનો પ્રત્યેક કાર્યકર પ્રતિબધ્ધ છે.

આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન એસ.જયશંકરજીએ જણાવ્યું કે, છેલ્લા કેટલાય વર્ષોથી દેશના વિદેશ મંત્રાલયમાં ફરજો બજાવતાં મેં અનુભવ્યું છે કે આપણી સાથે આઝાદ થયેલા કેટલાક દેશો છેલ્લા ૨૦ થી ૩૦ વર્ષમાં ઘણી પ્રગતિ કરી રહ્યા છે ત્યારે તેનું કારણ દેશનું સફળ નેતૃત્વને આભારી છે. જ્યારે છેલ્લા પાંચ વર્ષથી આપણા દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ અને દિર્ધદ્રષ્ટીને કારણે આજે સમગ્ર વિશ્વમાં દેશનું ગૌરવ વધ્યું છે.

પ્રદેશ સંગઠન પર્વના સંયોજક અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટે સ્વાગત પ્રવચનમાં તમામ કાર્યકરો તેમજ સદસ્યતા અભિયાનમાં જોડાવવા ઇચ્છુક તમામ પ્રબુધ્ધ નાગરિકોનું આવકાર અને અભિવાદન કર્યુ હતુ. આ પ્રસંગે સદસ્યતા અભિયાનના કેન્દ્રીય સહસંયોજક અરૂણ ચતુર્વેદીએ ખાસ ઉપસ્થિત રહી સદસ્યતા અભિયાનની વિષદ છણાવટ કરી હતી.

રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, અમદાવાદ શહેર પ્રમુખ અને ધારાસભ્ય જગદીશ પંચાલ, અમદાવાદ શહેરના મહામંત્રીઓ, મેયર બીજલબેન પટેલ, સંસદસભ્યો, ધારાસભ્યો, બોર્ડ/નિગમના ચેરમેન અને ડે.ચેરમેન, કોર્પોરેટરઓ, પ્રબુધ્ધ નાગરિકો તેમજ વિશાળ સખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleજિલ્લાના ભૂગર્ભમાં વરસાદી જળ ઉતારવા માટે પ્લાન તૈયાર કરાયો
Next articleસઘન સુરક્ષા વચ્ચે વધુ ૫૧૨૪ શ્રદ્ધાળુ દર્શન માટે રવાના