ગાંધીનગરના સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં દર્દીને ઉંદર કરડતાં મોત

871

પાટનગરમાં સિવિલ હોસ્પિટલમાં ઉંદરના ત્રાસની વાત નવી નથી. ત્યારે સોમવારે આઇસીસીયુ વોર્ડમાં સારવાર લઇ રહેલા અને વેન્ટીલેટર પર રહેલા સેક્રેટરી તરીકે નિવૃત્ત થયેલા વૃદ્ધની ડાબી આંખે ઉંદર કરડી જવાથી તેમનું મૃત્યુ થયાનો આક્ષેપ દર્દીના સગાઓએ કર્યો હતો. ઉંદર કરડી જવાના બનાવને પગલે સમગ્ર સિવીલ તંત્ર દોડતું થયું હતું. તાત્કાલિક આંખના ડોક્ટરને બોલાવીને આંખની જગ્યાએ પાટાપીંડી કરી હતી. સિવિલમાં ઉંદરના અંડિગાથી દર્દીઓના આરોગ્ય મુદ્દે સવાલો ઉઠી રહ્યા છે અને સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સુદ્દઢ આરોગ્ય સેવા દર્દીઓને આપવામાં આવી રહી હોવાનો દાવો કરી રહ્યું છે.

સેક્ટર-૭-ડીમાં પ્લોટ નંબેર ૧૨૪૨/૨ ખાતે રહેતા અને નિવૃત્ત ઉચ્ચ અધિકારી જયંતભાઇ જી.ભટ્ટને બિમારી થતાં એક સપ્તાહ અગાઉ સિવીલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

આઇસીસીયુ વોર્ડમાં સારવાર લઇ રહેલા અધિકારીની સાથે તેમની દિકરી ગત રાત્રીએ વોર્ડમાં સૂઇ ગઇ હતી. ત્યારે તેમની ઉપરથી ઉંદર જતા હોવાની ફરિયાદ વોર્ડના કર્મચારીને કરી હતી. જોકે આ મામલાને વોર્ડના કર્મચારીઓએ ગંભીરતાથી નહી લેતા ઉંદરે સારવાર લઇ રહેલા નિવૃત્ત અધિકારીની ડાબી આંખે કરડતા આંખની આસપાસ લોહીથી ખરડાઇ ગયો હતો.

આ મામલે નિવૃત્ત અધિકારીના પરિવારજનોએ ઉંદર કરડવાનો આક્ષેપ કરતા અધિકારીઓ દોડી આવ્યા હતાં. આંખના તબિબને બોલાવીને ઉંદર કરડી ગયાની જગ્યાએ પાટાપીંડી કરી દીધી હતી. ઉંદર કરડી જવાના મામલે નિવૃત્ત અધિકારીના પરિવાર જનોએ પોલીસને બોલાવી હતી.

નિવૃત્ત અધિકારીને લોહી બંધ થવાની દવા ચાલુ જ હતી, આથી ઇજા થવાથી લોહી વધારે વહી જવાથી તેમનું મોત નિપજ્યું નથી. હાર્ટ, કિડની અને શ્વાસની બિમારી સબબ તેમને દાખલ કરાયા હતા. ઉંદર કરડી ગયો છે તેમ કહી શકાય નહી, આંખની ઉપર ઇજા થઇ હોવાનું મેડિસીન વિભાગના એચઓડી ડૉ.શશી મુન્દ્રાએ જણાવ્યું છે. આ મામલે દર્દીના સગા અને હોસ્પિટલના સતાધીશો વચ્ચે સામસામે આક્ષેપબાજી થતા આ મામલે ભારે વિવાદ થતા દિવસભર આ બાબતે ભારે ઉહાપોહ મચી ગયો હતો.

Previous articleગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિ : EWS ક્વોટાની ૯૬૦ સીટો કાપી
Next articleઅમદાવાદમાં જુલાઇ માસમાં છ દિવસમાં જ પાણીજન્ય રોગચાળાના ૪૨૪ કેસો સામે આવ્યા !