૨૮ વર્ષથી ન્યાયની રાહ જોતાં મધ્યાહ્ન ભોજનના કર્મચારીઓ ધરણાં કરશે

1189

રાજ્યમાં આવેલી શાળાઓમાં ફરજ બજાવતાં મધ્યાહ્ન ભોજન યોજનાના કર્મચારીઓને સરકારના ધારાધોરણ પ્રમાણે પગાર ધોરણ નહીં મળતાં આર્થિક શોષણનો ભોગ બની રહ્યાં છે. હાઇકોર્ટ દ્વારા પણ લઘુત્તમ ધોરણ આપી કર્મચારીઓને કાયમી કરવા માટે હુકમ કરવા છતાં તેનો અમલ કરવામાં નથી આવતાં અવાર નવાર રજુઆતો કરવા છતાં હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવતાં મંડળ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ઉપવાસ અને ધરણાં કરીને વિરોધ પ્રગટ કરવામાં આવશે.

સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોને છેલ્લા ઘણા વર્ષોથી મધ્યાહ્ન ભોજન અંતર્ગત આહાર પુરો પાડવામાં આવી રહ્યો છે. ત્યારે આ યોજના અંતર્ગત કર્મચારીઓની ભરતી પણ કરવામાં આવી હતી. છેલ્લા ૩૫ વર્ષથી સંચાલક, રસોઇયા અને મદદનીશ સામાન્ય વેતનથી ફરજ બજાવી રહ્યાં છે.

આ કર્મચારીઓ દ્વારા પણ લઘુત્તમ વેતન આપી કાયમી કરવા સહિત અન્ય માંગણીઓ સાથે છેલ્લા ઘણા વર્ષોથી લડત ચલાવવામાં આવી રહી છે તેનો પણ ઉકેલ રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવતો નથી આ યોજનાના કેન્દ્ર ઉપર આખા દિવસની કામગીરીના કારણે સામાન્ય વેતનમાં ફરજ બજાવતાં કર્મચારીઓનું આર્થિક શોષણ પણ થઇ રહ્યું છે.

છેલ્લા ૨૮ વર્ષથી સામાન્ય વેતનમાં ફરજ બજાવતાં કર્મચારીઓને લઘુત્તમ ધોરણ આપી કાયમી કરવા માટે હાઇકોર્ટે ચુકાદો આપવા છતાં તેનો રાજ્ય સરકાર દ્વારા અમલ કરવામાં આવ્યો નથી. તો નવા મેનુ તેમજ અલાયદી નાસ્તો આપવાનો જીઆર રદ કરવાની માંગ સાથે સત્યાગ્રહ છાવણીએ તા.૧૨ જુલાઇના રોજ પ્રતિક ઉપવાસ અને ધરણાં કરી કર્મચારીઓ વિરોધ પ્રગટ કરશે.

Previous articleબાલાજી વિન્ડ પાર્કમાં ૩.૬૭ લાખની ચોરીથી ચકચાર
Next articleહાથરોલ પાસે રણાસણથી પીપળીયા ગામે બાળકોને ઉતારવા જતી સ્કૂલવાનમાં આગ