ચીનનું ફરીવાર ઉશ્કેરણીજનક કૃત્ય : લડાખ ખાતે ઘુસણખોરી

455

ડોકલામ ગતિરોધના બે વર્ષ બાદ ચીનની સેનાએ ફરી એકવાર ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરીને ઉશ્કેરણીજનક કૃત્ય કર્યું છે. ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મીએ થોડાક દિવસ પહેલા જ જમ્મુ કાશ્મીરના લડાખમાં પૂર્વીય ડેમચોક વિસ્તારમાં છ કિલોમીટર અંદર સુધી ઘુસણખોરીને કરીને પોતાનો ધ્વજ લહેરાવ્યો હતો. ચીનની સેનાએ એવા સમયમાં ઘુસણખોરી કરી છે જ્યારે સ્થાનિક નિવાસી તિબેટના ધર્મગુરુ દલાઈ લામાનો જન્મદિવસ મનાવી રહ્યા છે. ડેમચોકના સરપંચે ચીનની ઘુસણખોરીને લઇને અહેવાલને સમર્થન આપ્યું છે. આ સૈનિકો સૈન્ય વાહનોમાં ભરીને ભારતીય સીમામાં આવ્યા હતા અને ચીની ધ્વજ લહેરાવ્યો હતો. ડેમચોકના સરપંચ ઉર્ગેને કહ્યું છે કે, ચીનના જવાનો ભારતીય સરહદમાં આવ્યા હતા. ચીની સૈનિકોની આ ઘુસણખોરી પાછળ હેતુ અમને દેખાઈ રહ્યા છે. સરપંચે કહ્યું હતું કે, ચીનના સૈનિક એવા સમયમાં ભારતમાં ઘુસણખોરી કરીને આવ્યા છે જ્યારે સ્થાનિક લોકો દલાઈ લામાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, ચીની સૈનિકોની ઘુસણખોરી ચિંતાનો વિષય છે. ચીન આ પ્રકારનીગતિવિધિને અંજામ આપીને ભારત ઉપર દબાણ લાવવા માટે ઇચ્છા ધરાવે છે. જો કોઇ વાતચીત થાય તો તેના ઉપર ક્ષેત્રને લઇને દબાણ લાવવામાં આવી શકે છે. ચીન કહી શકે છે કે, ત્યાં ચીનનો ધ્વજ છે અને ત્યાં તેમના ટેન્ટ લાગેલા છે. આવી સ્થિતિમાં તેમના દાવા  મજબૂત રહી શકે છે. અલબત્ત ચીને પ્રથમ વખત આવું કર્યું નથી. વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર એક વિસ્તારમાં હજુ પણ ચીનના બે ટેન્ટ લાગેલા છે. ઓગસ્ટ ૨૦૧૮માં ચીને આ ક્ષેત્રમાં ઘુસણખોરી કરી હતી અને અનેક ટેન્ટ બનાવી દીધા હતા. ભારતના વિરોધ બાદ ચીને અનેક ટેન્ટ હટાવી દીધા હતા પરંતુ બે ટેન્ટ હજુ પણ રહેલા છે. એટલું જ નહીં બલ્કે ચીને સરહદ પેલે પારથી મોટી સંખ્યામાં માર્ગો બનાવી લીધા છે અને આધારભૂત માળખાઓને મજબૂત બનાવ્યા છે. સરપંચે કહયું છે કે, ગયા વર્ષથી આ લોકો દલાઈ લામાનો જન્મદિવસ મનાવી રહ્યા છે પરંતુ પ્રથમ વખત આવું બન્યું છે જ્યારે ચીનના સૈનિકો અહીં સુધી પહોંચી ગયા છે. સેના અને સરકારને આ અંગે માહિતી આપવામાં આવી છે. આ વિસ્તાર લડાખમાં ભારત અને ચીન વચ્ચે અંતિમ નિવાસી વિસ્તાર તરીકે છે. ચીની સેનાના આ પગલાને વુહાન શિખર બેઠકની ભાવનાઓની વિરુદ્ધમાં ગણવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની પ્રમુખ જિંગપિંગ વચ્ચે ૨૭-૨૮મી એપ્રિલના દિવસે વુહાનમાં બેઠક યોજાઈ હતી જેમાં દ્વિપક્ષીય સંબંધોમાં વધુ સુધારો કરવા સહમતિ થઇ હતી. ડોકલામમાં ૭૩ દિવસ સુધી મડાગાંઠની સ્થિતિ રહ્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો ખરાબ થઇ ગયા હતા. ડોકલામમાં બંને દેશો વચ્ચે ગતિરોધ ચીની સૈનિકો દ્વારા ભારતીય સરહદની નજીક ક્ષેત્રમાં એક માર્ગ બનાવવાના પ્રયાસ બાદ સર્જાતા આ મડાગાંઠ લાંબી ચાલી હતી. આ જગ્યાએ ૨૦૧૭માં ભુટાને દાવો કર્યો હતો.

Previous articleમરાઠા અનામત : મહારાષ્ટ્ર સરકાર પાસે જવાબની માંગ
Next articleચારા કૌભાંડમાં લાલૂને બેલ પણ હજુ જેલમાં રહેવું પડશે