સરકારના ઉત્સવોમાં ભીડ ભેગી કરવા શિક્ષકોનો ઉપયોગ થાય છે

442

પહેલાના વખતમાં એક કહેવત હતી ’એક માતા સો શિક્ષકોની ગરજ સારે’પણ ભાજપની સરકારમાં બીજી કહેવત બની છે કે, એક શિક્ષક સો કામની ગરજ સારે’, શિક્ષકને કામ આપ્યા જ કરો એટલે જ રાજ્યમાં સરકારી શાળામાં શિક્ષણનું સ્તર ઉતરતુ જ જાય છે તેમ આજે ગાંધીનગર(ઉ) ના ધારાસભ્ય ડો.સી. જે. ચાવડાએ વિધાનસભામાં કહ્યું હતું.

શિક્ષણ વિભાગના બજેટની જોગવાઇ ઉપરની ચર્ચામાં ગાંધીનગર(ઉ)ના ધારાસભ્ય ડો. સી.જે.ચાવડાએ કેટલાક સુધારાઓ સાથે અનુમોદન આપતા જણાવ્યું હતું કે,ગ્રાન્ટની ફાળવણી શિક્ષણમાં ૧૮ હજાર કરોડ જેટલી કરી છે. આઝાદીના આટલા વર્ષો બાદ પ્રાથમિક શિક્ષણમાં ગુજરાત હતું ત્યાંનું ત્યાં જ છે.

જેનું મુખ્ય કારણ શિક્ષકોને શિક્ષણ સિવાયની વધારાની જવાબદારી છે. સરકારી કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા માટે પણ શિક્ષકોનો ઉપયોગ કરવામાં આવે છે આ પ્રવૃત્તિની સાથે શિક્ષકોને ચૂંટણી, મદ્યાહન ભોજન, વસ્તીગણતરી, પશુધન ગણતરી, ધરતીકંપ અછત સહિતની વિવિધ કામગીરીમાં શિક્ષકોને જોતરવામાં આવે છે તેના કારણે શિક્ષક શાળામાં ભણાવવાનું ભુલી જાય છે ત્યારે શિક્ષકોને શાળામાં પુરતો સમય આપવા દેવો જોઇએ.

આ ઉપરાંત રાજ્યમાં શિક્ષણનું સરળીકરણના બદલે વેપારીકરણ વધુ થયું છે જેના કારણે ફી નિયમનનો કાયદો અમલમાં હોવા છતા ગરીબ જ નહીં સામાન્ય ઘરના વાલીઓ પણ પોતાના બાળકને ખાનગી સ્કૂલમાં ભણાવી શક્તા નથી. કોંગ્રેસના સાશનની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, પહેલા ભણવા માટે વિદ્યાર્થીઓને શહેરમાં જવું પડતું હતું પરંતુ હવે તેનાથી વિપરીત પરિસ્થિતિ સર્જાઇ છે. જેનાથી શિક્ષણની સ્થિતિ આજે કઇ દિશામાં જઇ રહી છે તેની ગંભીરતાનો ખ્યાલ આવે છે.

વાલીઓ અને વિદ્યાર્થીઓના હાર્દસમા પ્રશ્નોના ઉકેલ આવતા નથી જેના કારણે આંદોલન કરવાની ફરજ પડે છે. તો પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ રેસિયો ઝીરો કરવા માટે આપણે સૌએ સાથે મળીને કામગીરી કરવી પડશે તેમ પણ તેમણે કહ્યું હતું અને રાજ્યમાં ૧.૮૫ લાખથી વધુ પ્રાથમિક શિક્ષકોનું મહેકમ છે ત્યારે આ શિક્ષકોના પગારની વિસંગતતા સહિતના વિવિધ પ્રશ્નોનું પણ સત્વરે નિરાકરણ લાવવંમ જોઇએ તેવી માંગણી પણ કરી હતી.

Previous articleઅષાઢમાં તાપમાનનો પારો ૩૯ ડિગ્રીએ પહોંચ્યો
Next articleઅમદાવાદમાં રેલ કર્મચારીઓનાં ધરણાં, ખાનગીકરણ સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો