શહેરના નવા સેક્ટરોમાં બુધવારે પાણી પુરવઠો સદંતર બંધ રહેશે

543

ગાંધીનગર શહેરમાં પાણી વિતરણની વ્યવસ્થા બે ભાગમાં વહેંચવામાં આવી છે. નવા અને જુના સેક્ટરોમાં અલગ-અલગ જગ્યાએથી પાણી પુરવઠો આપવામાં આવે છે ત્યારે આગામી તા.૧૬મીને મંગળવારે પાણી પુરવઠા બોર્ડ દ્વારા પ્લાન્ટની સફાઇ સહિતની વિવિધ કામગીરી કરવાની હોવાથી ટાંકીમાં પાણીનો સંગ્રહ નહીં કરી શકાય એટલે બુધવારે સે.૧થી સે.૧૩માં પાણી પુરવઠો આપવામાં આવશે નહીં આવી સ્થિતિમાં અગાઉના દિવસે ઘરે ટાંકે કે પાત્રોમાં પાણીનો સંગ્રહ કરી રાખવા માટે પણ નવા સેક્ટરોના રહિશોને સુચન કરવામાં આવ્યું છે.

પાટનગર ગાંધીનગરમાં પાણી વિતરણની વ્યવસ્થા પાટનગર યોજના વિભાગ સંભાળે છે જેમ જેમ વસ્તી વધતી ગઇ અને નવા સેક્ટરોનો વિકાસ થયો તેમ વિતરણ વ્યવસ્થા પણ વિસ્તારવી પડી છે. અગાઉ ફક્ત ચરેડીની ટાંકીમાંથી જ પાણી આપવામાં આવતું હતું.

ત્યાર બાદ નવા સેક્ટરોમાં વસવાટ શરૂ થવાની સાથે સરીતા ઉદ્યાન પાસે ઓવરહેડ ટાંકી બનાવવામાં આવી હતી. જો કે, ત્યાર બાદ જરૂરીયાતને ધ્યાનમાં રાખીને સે-૫માં પણ ટાંકી બનાવવામાં આવી છે આ ત્રણ ઓવરહેડ ટાંકી મારફતે નર્મદાનું પાણી પ્લાન્ટમાં શુધ્ધ કરીને નગરજનોના ઘર સુધી પહોંચાડવામાં આવે છે ત્યારે આગામી બુધવારે નવા સેક્ટરોમાં પાણી પુરવઠો સંપુર્ણ બંધ રહેશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ અંગે સેક્ટર-૧થી સે.૧૩માં પાણી વિતરણની વ્યવસ્થા સંભાળતા પાટનગર યોજના વિભાગ નં.૩ હસ્તકની પેટા વિભાગીય કચેરી નં.૧૮ના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તા.૧૬ જુલાઇને મંગળવારે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ફીલ્ટર પ્લાન્ટમાં સફાઇ સહિતની વિવિધ કામગીરી કરવામાં આવનાર છે.

જેના કારણે આ દિવસે ઓવરડેહ ટાંકીમાં પાણીનો સંગ્રહ નહી ંકરવામાં આવે જેથી તા.૧૭મીને બુધવારે સે.૧થી૧૩માં પાણી પુરવઠો સંપુર્ણ કે અંશતઃ બંધ રહેશે. જો કે, ત્યાર બાદ રાબેતા મુજબ પાણી પુરવઠો આપવામાં આવશે તેમ પણ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Previous articleહીટ એન્ડ રનની ઘટનાઓમાં ૨૧૬ વ્યક્તિનો ભોગ લેવાયો
Next articleટેક્નિકલ ખામી સર્જાતા ચંદ્રયાન-૨નું લોન્ચિંગ સ્થગિતઃ નવી તારીખ જાહેર થશે