મશીનરી છતાં સફાઈ કામદારોને ગટરમાં ઉતારવામાં આવે છે!

457

દહેગામ નગરપાલિકા વિસ્તારમાં આવતાં રહેણાંક વિસ્તારમાં ગટરલાઈનમાં કોઈ સમસ્યા સર્જાય તો સફાઈ કર્મચારીઓને ગટરમાં ઉતારવાની નોબત છેલ્લા કેટલાય દિવસોથી આવી રહી છે. મેનહોલના ગંદા પાણીમાં કોઈ માણસને ઉતારી અને ગટર સાફ કરાવવી કેટલી યોગ્ય છે ? પાલિકાએ વસાવેલા લાખો રૂપિયાના સાધનો શું કામના છે?

દહેગામ નગરપાલિકા દ્વારા નડીયાદના એક ખાનગી કોન્ટ્રાકટરને મસમોટી રકમનો ઈજારો આપેલ છે. કોન્ટ્રાકટર પાલિકા દ્વારા વસાવેલા જેટીંગ અને વેકયુમથી ગટરના બ્લોકને દુર કરી શકે તેવા સાધનો પણ વાપરે છે. વધુ પડતાં આ સાધનો ખાનગી ઈન્ડ્રસ્ટીઝ અને હોટલો તથા અન્ય કામો જયાં મસમોટી માત્રામાં પૈસા મળતાં હોય છે ત્યાં વાપરવામાં આવે છે. ત્યારે કોન્ટ્રાકટના સફાઈ કર્મચારીઓ સાથે અમાનુષી વ્યવહાર કરીને આ સાધનો પાલિકા દ્વારા ધંધો કરવા વસાવાયા છે કે કેમ તે પ્રશ્ન ઉઠી રહયો છે.

દહેગામના સફાઈ કર્મચારી મંડળના આગેવાન પંકજભાઈ સોલંકીએ જણાવ્યું કે સુપ્રિમ કોર્ટના આદેશ પ્રમાણે મેન હોલમાં કોઈ માણસને ઉતારી અને ગટરલાઈનો સાફ કરવાની રહેશે નહીં થોડા સમગ અગાઉ બાવળામાં સફાઈ કર્મચારીઓના મૃત્યુ બાદ તેમને નજીવી રકમ આપી અને ચુપ કરી દેવાયા હતા ત્યારે દહેગામમાં પણ છેલ્લા ચાર પાંચ દિવસથી સફાઈ કર્મચારીઓને મેન હોલમાં ઉતારવાની ફરજ પડાઈ રહી છે.

ત્યારે આ કર્મચારીઓ જીવના જોખમે ગટરો સાફ કરી રહયા છે તો કોઈ જાનહાનિ અથવા તો ગંભીર બિમારીનો શિકાર બનશે તો જવાબદારી પાલિકા સ્વીકારશે? હાલ ર૧મી સદીના ભારતની વાતો કરવામાં આવી રહી છે ત્યારે ટેકનીકલ રીતે કેમ એટલા આગળ નથી કે હજુ હજારો વર્ષો જુની પધ્ધતિથી જ કામ કરવામાં આવી રહયું છે તે સમજાતું નથી.

Previous articleજિલ્લામાં સસ્તા અનાજની દુકાનમાં કાળાબજાર અટકાવવા ૪૯૩ દરોડા
Next articleચલણનું એક કાઉન્ટર હોવાથી માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીમાં લાઇનો લાગી