ગાંધીનગરની સ્કૂલો સામે વધુ ફી વસુલવાની ૨૧ ફરિયાદો

433

ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા ફી નિયમન કાયદો વર્ષ ૨૦૧૭માં બનાવી દેવામાં આવ્યો હતો પરંતુ આ કાયદાનું ઉલ્લંઘન કરીને હજુ પણ ઘણી બધી સ્કુલો દ્વારા વાલીઓને છેતરવામાં આવે છે. ત્યારે ગાંધીનગર શહેર જિલ્લાની પાંચ સ્કુલો સામે વાલીઓએ સરકારને કુલ ૨૧ ફરિયાદો કરી છે. જેમાં સરકારે તપાસ કરીને સ્કુલ સામે કાર્યવાહી પણ કરી છે.

રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭ માં ફી નિયમન કાયદો ઘડવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક ફી નિયત કરવામાં આવી હતી. એટલું જ નહીં જે ખાનગી સ્કુલોએ પોતાની ફી નિયત ફી કરતાં વધારવી હોય તેમને કરેલી દરખાસ્તને ધ્યાનમાં રાખીને એફઆરસીએ મોટાભાગના કિસ્સામાં ફી વધારવાની મંજુરી આપી છે. તેમ છતાં ગાંધીનગરની ઘણી સ્કુલો દ્વારા વાલીઓ પાસેથી વિવિધ બહાના હેઠળ વધુ ફી વસુલવામાં આવે છે.

ત્યારે આ અંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય ડો.સી.જે. ચાવડાએ વિધાનસભામાં કરેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં ફી રેગ્યુલેટરી કમિટિ દ્વારા કરવામાં આવેલા હુકમોનું ઉલ્લંઘન કરીને ઉંચી ફી ઉઘરાવાની વર્ષ ૨૦૧૮-૧૯માં કુલ ૨૧ ફરિયાદો મળી છે.

આ ઉપરાંત તેમણે જવાબમાં એ પણ જણાવ્યું હતું કે, ગાંધીનગરની માઉન્ટ કાર્મેલ, હિલવુડ સ્કુલ, પોદાર ઇન્ટરનેશનલ સ્કુલ, દિલ્હી પબ્લીક સ્કુલ અને કામેશ્વર ઇન્ટરનેશન સ્કુલ સામે વાલીઓએ વિવિધ ફરિયાદો કરી હતી. જેમાં નિયમ પ્રમાણે કાર્યવાહી તંત્રએ કરી છે. ઉલ્લેખનીય છે કે, મોટાભાગના કિસ્સામાં એડમીશન, ડોનેશન, ટયુશન પેટે વિવિધ રકમ વાલીઓ પાસે ઉઘરાવવામાં આવે છે. વાલીઓની ફરિયાદની આધારે શાળા સંચાલકો વિરૂદ્ધ પગલા પણ  લેવામાં આવ્યા છે.

Previous articleશાહીબાગમાં ડમ્પરની ટક્કરથી વિદ્યાર્થિનીનું મોતઃ બીજી વિદ્યાર્થિનીની હાલત ગંભીર
Next articleગ રોડ પર અન્ય કારની ટક્કર વાગતાં કાર પલટી ગઈ : સદ્દનસીબે જાનહાનિ ટળી