રીમાન્ડ પર રહેલા આરોપીને ઘરે મોકલતા પીએસઆઇ સામે ફરિયાદ

563

રાજુલા તાલુકાનાં ડુંગર પોલીસ મથકનાં પીએસઆઇ પંડ્યા દ્વારા ગત રાત્રીના રીમાન્ડ પર રહેલા આરોપીને ઘરે મોકલતા જેની જાણ એસ.પી. નિર્લિપ્તરાયને થતા તેમણે તાત્કાલીક અસરથી પીએસઆઇ પંડ્યા સામે ફરિયાદ નોંધવા અને અટકાયત કરવાની સૂચનાથી પોતાના પો.સ્ટે.માં જ ગુન્હો નોંધી અટકાયત કરાતા પોલીસ બેડમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સ્થાનિક ચર્ચા મુજબ આરોપી સાથે મોટો વહીવટ કરી ઘરે મોકલાયો હોવાનો એસપી દ્વારા પર્દાફાશ કરાયો હતો.

જાણવા મળતી વિગતો મુજબ રાજુલાના ડુંગર પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ વી.વી.પંડ્યા ડુંગર પોલીસ મથકમાં ફરજ બજાવે છે. ગત રાત્રે ત્રણ આરોપીઓ પોલીસ રિમાન્ડ પર હતા ત્યારે એક આરોપીને ઘરે મોકલી દેતા આ બાબતની રજૂઆત થતા મોડી રાત્રે પોલીસ કાફલો ડુંગર પોલીસ મથકે દોડી ગયા હતા. જ્યાં તપાસ કરતા પીએસઆઇ પર ફરજમાં બેદરકારી તેમજ આરોપીને મદદ કરવાના ગુન્હા હેઠળ પોલીસફરિયાદ થતા પોલીસબેડામાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો. પીએસઆઇ પંડ્યાને રાજુલા કોર્ટમાં રજુ કરાયા હતા. જ્યાં જામીન પર તેમને મુકત કરવામાં આવ્યા હતા.

અત્રે નોંધનીય બાબત છે કે પીએસઆઇ આ વિસ્તારમાં કડક હાથે કામ લેતા હોય તેમ છતાં આ ઘટના બની હતી. પરિણામે કોર્ટ સંકુલ બહાર સરપંચો આગેવાનો ઉમટી પડ્યા હતા.

માનવતાને ધ્યાને લઇ દવા લેવા ઘરે મોકલ્યો હતો : પીએસઆઇ

આ બાબતે પીએસઆઇ વી.વી.પંડ્યાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં દારૂ જુગાર તેમજ માથાભારે શખ્સો સામે ઉપરાંત સૌથી વધારે ખનન માફીયાઓ ઉપર કડક હાથે કામગીરી કરી છે આથી અમુક તત્વો એ ખોટી રજૂઆત કરી આ બધુ કરાવ્યું છે. વાત રહી આરોપીની તો માત્ર માનવતાને ધ્યાને લઇ દવા તેમજ ડોક્યુમેન્ટ લેવા પોલીસ સાથે મોકલેલ પણ ઉપરી અધિકારીઓને ખોટી રજૂઆતો કરી આ બધુ કરાવ્યું છે. આ બાબતે જાણવા મળેલી વિગત મુજબ આજુબાજુમાં આવેલ ગામોના સરપંચો આગેવાનો પણ આ બાબતે રજુઆત કરનાર હોવાનું જાણવા મળેલ છે.

Previous articleરાણપુર શાળાના શિક્ષકની બદલી અટકાવવા વિદ્યાર્થીઓએ શિક્ષણકાર્યનો બહિષ્કાર કર્યો
Next articleવિન્ડીઝ પ્રવાસ : કોહલી અને રોહિત સહિતના બધા રમશે