પોલીસે ટ્રકમાંથી ૬.૬૬ લાખ રૂપિયાનો વિદેશી દારૂ પકડયો

583

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવામાં આવી રહયો છે. અડાલજ પોલીસે જમિયતપુરા રેલ્વે બ્રિજ નજીકથી વિદેશી દારૂ ભરેલી આઈશર ટ્રક સાથે એક વ્યક્તિને ઝડપી પાડયો હતો અને ટ્રકમાંથી વિદેશી દારૂની ૧૮૦૦ બોટલ મળી કુલ ૩૪.૫૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કોસ્મેટિક વસ્તુઓની આડમાં આ વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહયો હતો.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે પોલીસ દ્વારા આ દારૂના જથ્થાને પકડવા માટે ખાસ પેટ્રોલીંગ પણ કરવામાં આવી રહયું છે.

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જિલ્લાના તમામ પોલીસ મથકોને પ્રોહીબીશનની બદીને અટકાવવા માટે તાકીદ કરી હતી. જેના અનુસંધાને અડાલજ પોલીસ મથકના ઈન્સ્પેકટર એસ.બી.પઢેરીયાએ સ્ટાફના માણસોને એલર્ટ રહી બાતમીદારોને સક્રિય કરી વિદેશી દારૂની હેરાફેરી કરતાં વાહનો પકડવા માટે સૂચના આપી હતી.

જેના અનુસંધાને પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હેકો.કેવલસિંહને બાતમી મળી હતી કે આઈશર ગાડી નં.એચઆર-૪૬-સી-૭૨૫૩માં વિદેશી દારૂનો જથ્થો ભરવામાં આવ્યો છે અને આ ટ્રક શેરથા ટોલનાકાથી અમદાવાદ તરફ જઈ રહી છે જે બાતમીના આધારે જમિયતપુરા રેલવે બ્રિજ નજીક પોલીસ ટીમે વોચ ગોઠવી હતી અને આ બાતમીવાળી ટ્રક આવતાં તેને ઉભી રાખી તપાસી હતી. જેમાં કોસ્મેટિકની ચીજવસ્તુઓના બોક્ષની આડમાં વિદેશી દારૂની ૧૫૦ પેટી મળી આવી હતી.

પોલીસે ૧૮૦૦ નંગ વિદેશી દારૂની બોટલ, ચાર લાખનો ટ્રક, ૬.૬૬ લાખનો વિદેશી દારૂ અને ર૩.૮૨ લાખની કોસ્મેટિક વસ્તુઓ મળી કુલ ૩૪.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. અને ટ્રકમાં સવાર ડ્રાઈવર રોહિત મહેન્દ્ર જાટ રહે. મીતાથલ ગામ, હરીયાણાને ઝડપી પાડયો હતો અને તેની સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Previous articleમહેસાણાઃ Tiktok વીડિયો બનાવનાર મહિલા પોલીસ કર્મચારીને ફરજ મૂક્ત કરાયા
Next articleચાંદખેડા પોલીસે ૧૨ વર્ષ પહેલા મૃત્યુ પામેલા વ્યક્તિ સામે એટ્રોસિટીનો ગુનો નોંધ્યો