સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં બે ઇંચ સુધીનો વરસાદ

676

ગુજરાતમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. આજે પણ સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો. ગીરસોમનાથ, રાજકોટ, અમરેલી, લાઠી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો જેથી નિચાળવાલા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નવસારીમાં સાર્વત્રિક વરસાદ થયો હોવાના અહેવાલ મળ્યા છે. સુરેન્દ્રનગરના સાયલા સહિત આસપાસના વિસ્તારો અને યાત્રાધામ ચોટીલા અને ખેડબ્રહ્મામાં પણ વરસાદ થયો છે. લાલકાગામમાં બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. અલબત્ત ગુજરાતમાં સિઝનમાં હજુ સુધી પુરતો વરસાદ થયો નથી. વરસાદી માહોલ અકબંધ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આગામી પાંચ દિવસ માટે યથાવત રાખવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો સમાવેશ થાય છે. ગીરસોમનાથ, અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિમ ગુજરાત અને ખાસ કરીને વલસાડ અને નવસારીમાં પણ અતિભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરાઈ છે. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગીરસોમનાથ, રાજકોટ, અમરેલીમાં વરસાદ જારી રહ્યો છે જેથી નદીઓમાં પાણીની નવી આવક આવી છે. નૈઋત્યનું ચોમાસું બેઠું ત્યારથી એકધારા વરસાદ માટે તરસી રહેલી ગુજરાતની ધરાને આગામી સપ્તાહથી મેઘરાજા બરાબર ભીંજવી જશે તેવા એંધાણ મળી રહ્યા છે.

હવામાન ખાતાની આગાહી અનુસાર, પશ્ચિમ બંગાળના અખાતમાં લો-પ્રેશર સર્જાયું છે અને આ કારણે ગુજરાત સહિત પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોમાં આગામી તા.૨૭ જુલાઈથી ચાર દિવસ સુધી લાગલગાટ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં જોઇએ તો, ખાસ કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શકયતા સેવાઇ રહી છે. હવામાન ખાતાની આગાહી મુજબ, તા.૨૫ જુલાઈથી બંગાળના અખાત તેમજ બાંગ્લાદેશમાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાવાની અપેક્ષા છે. આ કારણે ચોમાસાની સીસ્ટમ તા.૨૬ જુલાઈથી વધુ સક્રિય બનશે અને તેમાં પણ લો-પ્રેશરવાળા વિસ્તારોમાં ભારે સક્રિયતા જોવા મળશે. આ કારણે સ્થાનિક વિસ્તારો જેવા કે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં તા.૨૬મીએ ભારે વરસાદ પડશે. આ લો-પ્રેશર તા.૨૭ જુલાઈએ છત્તીસગઢ થઈને મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ ફંટાશે. આ ઘટનાક્રમને ધ્યાનમાં રાખીએ તો મધ્યપ્રદેશ ઉપરાંત ગુજરાતના ઉત્તર અને પૂર્વના વિસ્તારોમાં તા.૨૭ તારીખથી ચાર દિવસ સુધી ચોમાસાની સિસ્ટમ વધુ સક્રિય થશે. આ કારણે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ તા.૨૭ જુલાઈથી ચાર દિવસ સુધી જોવા મળી શકે છે. આ સીસ્ટમ તા.૩૦ જૂનથી દક્ષિણના રાજ્યો તરફ ફંટાઈ શકે છે. ગુજરાતમાં સતત ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે સરકાર અને વહીવટી તંત્ર પણ સાબદા થઇ ગયા છે અને એનડીઆરએફ સહિતની ટીમોને પણ એલર્ટ કરી દેવાઇ છે. સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં બેથી પાંચ ઇંચ વરસાદ થયો છે. રાજ્યના અન્ય જે વિસ્તારોમાં વરસાદ થયો છે તેમાં સુરેન્દ્રનગર, રાજકોટ ગ્રામ્ય, બોટાદ, પાલીતાણા, ધંધુકા, વલસાડનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં હજુ સુધી ૨૮ ટકા સુધીનો જ વરસાદ નોંધાયો છે

અમદાવાદ શહેરમાં વરસાદમાં બ્રેકની સ્થિતિ મુકાયેલી છે. અમદાવાદમાં મોસમમાં વરસાદ હજુ સુધી ખુબ ઓછો રહ્યો છે. અમદાવાદ શહેરમાં ૧૮ ટકા સુધીનો વરસાદ હજુ સુધી થઇ શક્યો છે. એકબાજુ રાજ્યમાં સિઝનમાં ૨૮ ટકા સુધી વરસાદ રહ્યો છે જ્યારે અમદાવાદમાં ૧૮ ટકા સુધીનો વરસાદ રહ્યો છે. ગુજરાતમાં પાંચ તાલુકા એવા છે જ્યાં ૪૦ ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાઈ ચુક્યો છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો કુલ ૧૮ ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતના કુલ ૨૫૧ તાલુકા પૈકી દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં સૌથી વધારે ૫૧ ઇંચ વરસાદ થઇ ચુક્યો છે જે રાજ્યમાં હજુ સુધી સૌથી વધારે વરસાદ છે. આ ઉપરાંત કપરાડામાં ૪૪ અને ઉંમરપાડામાં ૪૧ ઇંચ સુધીનો વરસાદ થયો છે.

નવસારી જિલ્લાના ખડગામ તાલુકામાં આશરે ૪૧ ઇંચ વરસાદ થયો છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ૧૩ તાલુકામાં ૨૦ ઇંચથી વધુ અને ૪૦ ઇંચથી ઓછો વરસાદ થયો છે. ૫૫ તાલુકામાં ૧૦ ઇંચ કરતા વધારે વરસાદ અને ૨૦ ઇંચ કરતા ઓછો વરસાદ થયો છે. ૧૦૬ તાલુકામાં પાંચ ઇંચથી વધારે અને ૧૦ ઇંચથી ઓછો વરસાદ રહ્યો છે. ૫૩ તાલુકાઓમાં પાંચ ઇંચથી ઓછો અને બે ઇંચથી વધારે વરસાદ થયો છે. આવી જ રીતે ૨૯ તાલુકાઓમાં બે ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સિઝનમાં કુલ વરસાદ પૈકી હજુ સુધી ૨૨૬ મીની વરસાદ થયો છે જે ૮ ટકાની આસપાસ રહેલો છે. વર્ષ ૧૯૮૯થી ૨૦૧૮ સુધી ગુજરાતમાં સિઝનનો વરસાદ સરેરાશ ૮૧૬ મીલીમિટર અથવા તો ૩૨ ઇંચની આસપાસ છે.

Previous articleવડોદરામાં શહીદ આરીફ પઠાણને ગાર્ડ ઓફ ઓનર
Next articleશિક્ષણનીતિ : બદલાવની નહીં, ક્રાંતિધ્યોતક હોય