પીએસઆઇ દ્વારા વાસુદેવ બનીને બાળકીને બચાવાઈ

633

ગઇકાલે ખાબકેલા ૨૧ ઇઁચ વરસાદના કારણે પાણીમાં ડૂબેલા વડોદરા શહેરમાં દેવીપુરા વિસ્તારમાં રાવપુરા પોલીસમથકના એક પીએએસઆઇ ગોવિંદ ચાવડાએ આ હળહળતા કળિયુગમાં વાસુદેવ બનીને માત્ર દોઢ માસની એક માસૂમ બાળકીને રેસ્કયુ કરતાં માત્ર વડોદરા જ નહી પરંતુ સમગ્ર રાજયના પોલીસ તંત્રમાં આ પોલીસ અધિકારીની માનવતા અને પ્રેરણારૂપ બહાદુરીની વાહવાહી થઇ રહી છે. શ્રાવણ માસના પહેલા જ દિવસે કૃષ્ણજન્મ જેવા પ્લાસ્ટિકના ટબમાં દોઢ માસની બાળકીને સૂવાડીને તેને રેસ્કયુ કરવાના દ્રશ્યોએ ખરેખર સમાજજીવનમાં માનવતાની મહેંક પ્રસરાવી છે. જો કે, શ્રાવણમાસના પહેલા જ દિવસે કૃષ્ણજન્મ જેવા સર્જાયેલા આ દ્રશ્યો જોતાં સૌકોઇમાં લાગણીસભર અને હૃદયદ્રાવક દ્રશ્યોની અનુભૂતિ થઇ હતી. વિશ્વામિત્રી નદીના કાંઠે દેવીપુરા વિસ્તારમાં ફસાયેલા સેંકડો લોકોને બચાવવા પોલીસ અને બચાવ ટીમના જવાનોએ બહુ પ્રશંસનીય કામગીરી કરી હતી.

જેમાં દેવીપુરા વિસ્તારમાં પાણીમાં ફસાયેલા ૭૩ લોકોને પોલીસ જવાનોએ ભારે જહેમતપૂર્ણ ઓપરેશન પાર પાડી તમામને સલામત સ્થળે ખસેડયા હતા. જેમાં વડોદરા પોલીસના રાવપુરા પોલીસમથકના ડી સ્ટાફ પીએસઆઇ ગોવિદંભાઇ ચાવડાએ છાતીથી ઉપર સુધીના પાણીમાં જીવના જોખમે જે પ્રકારે વાસુદેવે ભગવાન શ્રીકૃષ્ણના જન્મસમયે ટોપલામાં મૂકી યુમના નદી પાર કરાવી હતી, તે જ પ્રકારે દોઢ માસની એક બાળકીને પ્લાસ્ટિકના ટબમાં મૂકી તેને માથે મૂકી ઉંડા પાણીમાંથી સહીસલામત રીતે બહાર કાઢવામાં આવી હતી અને સલામત સ્થળે ખસેડી બચાવી લેવામાં આવી હતી અને તેને સહીસલામત બાળકીનો કબ્જો તેની માતાને સોંપાતાં પીએસઆઇનો વાસુદેવ બનીને બાળકીને બચાવતાં દ્રશ્યો માત્ર વડોદરા અને ગુજરાત જ નહી પરંતુ દેશભરમાં ભારે માનવતા અને સંવેદનાભરી પ્રેરણા આપતાં બની રહ્યા હતા. આ સમગ્ર ઓપરેશન અંગે પીએસઆઇ ગોવિંદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, બાળકીને બચાવી તેનો ઘણો આનંદ છે અને પાણીમાં ફસાયેલા લોકોને બચાવવાની અમારી ફરજ હતી, તે અમે નિભાવી છે. દેવીપુરા વિસ્તારમાં છાતીથી ઉપર સુધી ભરાયેલા પાણી વચ્ચે ઓપરેશન હાથ ધરવું મુશ્કેલ હતુ પરંતુ અમે ફસાયેલા લોકોના ઘરથી લઇ અન્ય સલામત સ્થળ સુધી દોરી બાંધી ત્યારબાદ સમગ્ર ઓપરેશન હાથ ધર્યું હતું. બાળકી માત્ર દોઢ માસની હોવાથી તેને આટલા ઉંડા પાણીમાં હાથમાં લઇ જવી સલામત ન હતી, તેથી મેં તેની માતા પાસેથી પ્લાસ્ટિકનું ટબ જોઇ તે માંગ્યું અને બાળકીને તેમાં સૂવડાવી ટબ માથા પર મૂકી દોરીના સહારે સમગ્ર અંતર કાપી બાળકીને સહીસલામત સ્થળે ખસેડી તેની માતાને સોંપી હતી. પીએસઆઇ ચાવડાની આ માનવતા મહેંકાવતી કામગીરીની ખુદ વડોદરા શહેર પોલીસ કમિશનરે પણ ભારોભાર પ્રશંસા કરી હતી.

Previous articleવડોદરામાં પૂરના પાણી વચ્ચે મગરો ઘૂસ્યા : લોકોમાં ભય
Next articleરાજ્યમાં વરસાદની સ્થિતિની રૂપાણી દ્વારા સર્વગ્રાહી સમીક્ષા