કાશ્મીરમાં આતંકી હુમલાની દહેશત – અમરનાથ યાત્રા રદ્દ

419

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રામાં આતંકી હુમલાનું જોખમ મંડરાઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીર સરકારે એડવાઈઝરી જાહેર કરીને યાત્રા અટકાવી દીધી છે, યાત્રિઓને પાછા મોકલવાની સૂચના આપી દેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, સુરક્ષાદળોને અમરનાથ યાત્રાના રૂટ પર સર્ચ ઓપરેશન દરમિયાન રાયફલ મળી છે, ત્યારબાદ યાત્રા અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોના વધુ ૨૮ હજાર જવાન મોકલવામાં આવ્યા છે.જમ્મુ-કાશ્મીર સરકારના ગૃહ વિભાગ તરફથી જાહેર કરાયેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, અમરનાથ યાત્રા પર આતંકી હુમલાના ઈનપુટ મળતા અને કાશ્મીરની સુરક્ષા વધારવાના આશયથી અમરનાથ યાત્રિઓ અને પર્યટકોની સુરક્ષાને ધ્યાને લઈ ઘાટીમાં તાત્કાલિક પ્રભાવથી તમામ પ્રકારની યાત્રાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમરનાથ યાત્રિઓને સલાહ આપવામાં આવી છે કે, પોતાના યાત્રાને તુરંત અટકાવી અને જેટલી જલદી બની શકે એટલું જલદી ઘાટી છોડવાની સલાહ આપવામાં આવી છે.

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની આહટ વચ્ચે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં વધારાના સુરક્ષાદળો તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. જેની સામે રાજકીય પક્ષોએ સવાલ ઉઠાવ્યા છે..સેના તરફથી જણાવવામાં આવ્યું કે, પાકિસ્તાની સેના સતત કશ્મીરમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરે છે. અનેક વાર સર્ચ ઓપરેશન દરમ્યાન બારૂદી સુરંગો વિશે પણ ખ્યાલ આવ્યો કે તેના તમામ પ્રયાસ નિષ્ફળ કરી દેવામાં આવ્યાં. સેનાના અધિકારીએ કહ્યું કે, કશ્મીરમાં ઘાટીમાં સ્થિતિ સુધરી છે અને આતંકીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. તેઓએ જણાવ્યું કે, અમરનાથ યાત્રીઓ પર સ્નિપર રાઇફલ એટેકની કોશિશ કરવામાં આવી પરંતુ સુરક્ષાદળોએ આવા તમામ પ્રયાસોને નિષ્ફળ કરી દીધાં. જો કે તેઓ હુમલાની યોજના બનાવી રહ્યાં છે કે જેમાં પાકિસ્તાની સેના પણ શામેલ છે.

લેફ્ટિનેંટ જનરલ કેજેએસ ઢિલ્લને કહ્યું કે, ’મારી તમામ માતાઓ અને બહેનોને ભલામણ છે કે ધ્યાન આપો કે આપનું બાળક જો ૫૦૦ રૂપિયા લઇને જો પથ્થર ફેંકે છે તો તે આવતી કાલનો આતંકી છે. પકડવામાં આવેલ અથવા તો મારવામાં આવેલ આતંકીઓમાંથી ૮૩ ટકા આવા જ છે.’ તેઓએ કહ્યું કે, અમરનાથના રસ્તામાં દૂરબીન સાથે સ્નિપર રાઇફલ પણ જપ્ત કરવામાં આવી.ત્યાર બાદ જમ્મુ અને કશ્મીરના ડીજીપી દિલબાદ સિંહે કહ્યું કે, ’આતંકી જમ્મુ કશ્મીરમાં ઘુસણખોરીની કોશિશ કરતા રહ્યાં છે પરંતુ અમારા સુરક્ષાદળોએ તેને નિષ્ફળ કરી દીધાં. અમે ઇચ્છીએ છીએ કે કશ્મીરના યુવા અમારી સહાયતા કરે અને આતંકવાદીઓની મદદ ન કરે અને તેમના માં બાપ પણ તેને સાચી દિશા આપે. જે લોકો મિલિટેટ્‌સની સાથે મળી ગયા છે તે પણ પોતાના પરિવારની પાસે પરત ફર્યા. તાજેતરમાં જ પુલવામા અને શોપિયાંમાં ૧૦ જગ્યાઓ પર આવી કોશિશ કરવામાં આવી. આ મામલામાં ૭ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં જૈશના આતંકવાદી પણ શામેલ હતાં.

તેઓએ કહ્યું કે, પહેલા બ્લાસ્ટ કરનારા બે મિલિટેંટ્‌સની ધરપકડ કરવામાં આવી છે.

કાશ્મીર ખીણમાં ૨૮ હજાર જવાન તૈનાત : હલચલ તીવ્ર

જમ્મુકાશ્મીરમાં જારી રાજકીય હલચલ વચ્ચે ખીણમાં સુરક્ષા દળોની ૨૮૦થી વધુ કંપનીઓ અથવા તો ૨૮ હજાર જવાનોની એકાએક કરવામાં આવેલી તૈનાતીના કારણે ભારે તર્ક વિતર્કના દોર ચાલી રહ્યા છે. આ મામલે કોઇ બાબત સ્પષ્ટપણે સપાટી પર આવી રહી નથી. સુરક્ષા દળોને શ્રીનગર શહેરના   અતિસંવેદનશીલ વિસ્તારમાં અને ખીણના અન્ય વિસ્તારોમાં ગોઠવી દેવામાં આવ્યા છે. જે જવાનોની ગોઠવણી કરવામાં આવી છે તે પૈકી મોટા ભાગે સીઆરપીએફના જવાનો છે. સુત્રોએ કહ્યુ છે કતે આ પ્રકારની એકાએક ૨૮૦થી વધારે જવાનોની તૈનાતીના કારણે ભારે ચર્ચા જોવા મળી રહી છે. શહેરમાં પ્રવેશ અને બહાર નિકળવાના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. તમામ રસ્તાઓ પર કેન્દ્રિય અર્ધલશ્કરી દળોના જવાનો ગોઠવાઇ ગયા છે. સ્થાનિક પોલીસની માત્ર પ્રતિકાત્મક હાજરી જોવા મળી રહી છે. સ્થાનિક લોકોમાં વ્યાપક દહેશત જોવા મળી રહી છે. આ લોકોએ જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટેની શરૂઆત કરી દીધી છે. કેટલાક ધર્મસ્થળો પરથી સુરક્ષા વ્યવસ્થા દુર કરી દેવામા ંઆવી છે. કારણ કે ગુપ્તચર સુચના મળી છે કે વિદેશી ત્રાસવાદીઓ ત્યાં તૈનાત રહેલા પોલીસ કર્મચારીઓને ટાર્ગેટ બનાવી શકે છે. શૈક્ષણિક સંસ્થાઓની ગરમીની રજા ગુરૂવારના દિવસે જ શરૂ કરવામાં આવી ચુકી છે. આગામી ૧૦ દિવસ સુધી રજા રહેનાર છે. અમરનાથ યાત્રા માટે ચલાવવામાં આવેલી રહેલા કેટલાક રસોડાને પણ બંધ કરવામાં આવ્યા છે.

આ પહેલા કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુર૭ા સલાહકાર અજિત દોભાલના કાશ્મીરથી પરત ફરતાની સાથેજ ૧૦ હજાર સુરક્ષા જવાનોને કાશ્મીર મોકલવાનો આદેશ કર્યો હતો. ત્યાંની બગડી રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને સુધારી શકાય તે માટે આ તૈનાતી કરવામાં આવી રહી છે. ત્રાસવાદી વિરોધી ઓપરેશનને વધારે તીવ્ર કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયનો રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન મહેબુબા મુફ્તિ ટિકા કરી રહ્યા છે. મહેબુબાએ ટ્‌વીટ કરીને કહ્યુ છે કે કેન્દ્ર સરકારના આ નિર્ણયના કારણે ખીણમાં ભયની સ્થિતી સર્જાઇ ગઇ છે. દેશના કેટલાક વિસ્તારોમાં રહેલા સુરક્ષા જવાનોને એરલિફ્ટ કરીને કાશ્મીર પહોંચાડી દેવામાં આવ્યા છે. આ કામમાં વાયુસેનાના માલવાહક વિમાન લગાવવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે  થોડાક દિવસ પહેલા જ કહ્યુ હતુ કે કાશ્મીરમાં સુરક્ષા દળોની ૧૦૦ કંપનીઓ તૈનાત કરવામાં આવી રહી છે. દરેક કંપનીમાં ૧૦૦ જવાનો છે. ગૃહ મંત્રાલય દ્વારા ૨૫મી જુલાઇના દિવસે કેન્દ્રિય દળોની વધારાની ૧૦૦ કંપનીઓ તૈનાત કરવાના આદેશ જારી કર્યાહતા. કેન્દ્રિય દળોમાં કેન્દ્રિય રિઝર્વ પોલીસ બળ, સરહદ સુરક્ષા દળ, સશસ્ત્ર સરહદી દળ અને ભારત -તિબ્બેટ  સરહદ સુરક્ષા પોલીસ સામેલ છે. પોલીસ વધારે વાત કરવાની સ્થિતીમાં દેખાતી નથી.

Previous articleરાજ્યસભામાં મોદી સરકારને મોટી સફળતા,UAPA બિલ પાસ
Next articleકાશ્મીર ઉપર વાત થશે તો માત્ર પાકિસ્તાન સાથે જ થશે : ભારત