સાબરકાંઠા જિલ્લામાં ૧.૯૬ લાખ હેકટરમાં ખરીફ વાવેતર

425

સાબરકાંઠા જિલ્લામાં ૧.૯૬ લાખ હેકટરમાં ખરીફ વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ૫૭૭૪૧ હેકટરમાં કપાસ અને ૫૬૭૮૮ હેકટરમાં મગફળીનું મુખ્યત્વે વાવેતર કરવામાં આવ્યું છે. બુધ-ગુરુવારની રાત્રિ દરમિયાન જિલ્લાના ખેડબ્રહ્મા, વડાલી, ઇડર, હિંમતનગરમાં સાડા પાંચથી સાત ઇંચ વરસાદ ખાબકતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા.

જોકે, સારી વાત એ હતી કે ચાલુ વર્ષે સમયસર વરસાદ થઇ જતા જૂન માસના અંતે ખરીફ વાવેતર કરી દેવામાં આવ્યુ હોવાથી અત્યારે વૃદ્ધ અને ઉગાવોનો તબક્કો હોઇ ઉભા પાકને નુકશાન થવાની સંભાવના નથી. છેલ્લા ૨૪ કલાકથી વરસાદે વિરામ લીધા બાદ શુક્રવારે સૂર્યનારાયણે દર્શન દેવા વચ્ચે હવામાન વિભાગની હળવાથી મધ્યમ વરસાદની આગાહીને પગલે કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને સાવચેતી રાખવા એડવાઇઝરી જારી કરી અગામી ત્રણ – ચાર દિવસ દરમિયાન ખરીફ વાવેતરને પિયત અને ખાતર ન આપવા તથા નિંદામણ કરવા ભલામણ કરવામાં આવી છે.

ગુરૂવારે ઝરમર વરસાદ બાદ શુક્રવારે વરસાદે વિરામ લીધો હતો દરમિયાનમાં હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે ત્યારે કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને કયા પાક માટે શું તકેદારી રાખવી તેની એડવાઈઝરી જારી કરી છે.

ખેતીવાડી અધિકારી વી.કે પટેલે જણાવ્યું કે પાકમાં નિંદામણ આંતરખેડ અને છોડની સંખ્યા જાળવવા ખાલા પુરવા તથા શુષ્ક હવામાન દરમિયાન કાતરાના નિયંત્રણ માટે દવાનો છંટકાવ કરવો હિતાવહ રહેશે તેમણે ઉમેર્યું હતું કે વરસાદ ન હોય તેવા સમયમાં મગફળીના પાનમાં પીળાશ દેખાય ત્યારે ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ ની સાથે ૧૦ ગ્રામ સાઈટ્રિક એસિડ (લીંબુ ફુલ) ૧૦ લિટર પાણીમાં ઓગાળી પ્રતિ હેકટર ૫૦૦ લિટર દ્રાવણનો છંટકાવ કરવાથી ફાયદો થાય છે.

Previous articleરોડ ઉપર રખડતા ઢોરોના ત્રાસથી શહેરની પ્રજા ત્રાહિમામ
Next articleસેક્ટર ૨૯ ખાતે ચર્ચની પાછળ ૧૫ દિવસથી ગટર ઉભરાય છે