કરજણ ડેમમાંથી ૬૨ હજાર, દેવ ડેમમાંથી ૮ હજાર ક્યૂસેક પાણી છોડાયું,૩૬ ગામોને એલર્ટ કરાયા

570

ભારે વરસાદની પરિસ્થિતિને પગલે વડોદરા અને મધ્ય ગુજરાતમાં ડેમ, નદી અને નાળા છલકાઇ ગયા છે. જેને પગલે કરજણ ડેમ અને દેવ ડેમમાંથી આજે પાણી છોડવામાં આવતા ૩૬ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.નર્મદા જિલ્લાના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તાર ડેડીયાપાડા અને સાગબારામાં શનિવારે રાતથી અત્યાર સુધીમાં ૮ ઇંચ જેટલો વરસાદ ખાબકતા કરજણ ડેમમાં અને નદીમાં નવા નીર આવ્યા છે. કરજણ ડેમમાં પાણીની આવક થતા આજે ડેમના ૬ દરવાજા ખોલીને ૬૨ હજાર ક્યુસેક જેટલું પાણી કરજણ નદીમાં છોડવામાં આવ્યું હતું. જેના કારણે કરજણ નદી બે કાંઠે વહેતી થઇ હતી અને કરજણ નદી બે કાંઠે વહેતા કાંઠાના ખેતરોમાં પાણી પણ ભરાયા હતા. ઘણા સમય બાદ કરજણ નદી બે કાંઠે વહેતા રાજપીપળાના નગરજનો સરકારી ઓવારા ખાતે કરજણ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા માટે ઉમટી પડ્યા હતા. હાલમાં કરજણ નદી ઉપર એક પુલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેના બેઝ સુધી જ પાણી હતું. પરંતુ એના તમામ બેઝ ડૂબી જાય એટલું પાણી થતાં આજે કરજણ નદીનું આ રૌદ્ર સ્વરૂપ જોઈને રાજપીપળાના જનતા ખુશખુશાલ થઇ ગઇ છે. જોકે તંત્ર દ્વારા કરજણ નદી કાંઠાના ૧૦થી વધુ ગામોને સાવધ પણ કરાયા હતા. હજી પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.જેને કારણે કરજણ બંધ માં હજી પણ વધુ પાણીઆવવાની આશા છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના દેવ ડેમમાંથી બપોરે ૩ વાગે ૮૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને પગલે દેવ નદીના કાંઠાના વાઘોડિયા તાલુકાના ૧૯ અને ડભોઇ તાલુકાના ૭ સહિત કાંઠાના ગામોના લોકોને તમામ પ્રકારની સાવધાની અને તકેદારી રાખવા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે સૂચના આપી છે. આ ગામોના લોકોને નદી કાંઠે નહીં જવા, ઢોર ઢાખરને નદી પટમાં ન લઇ જવા કે ત્યાં રોકાણ ના કરવા, નીચાણવાળી જગ્યાઓ હોય તો સલામત ઊંચાઈવાળી જગ્યાઓએ ખસી જવાની તમામ તૈયારી રાખવા જણાવ્યું છે.

Previous articleગણદેવી અને બીલીમોરામાં ફસાયેલા લોકોને બચાવાયા
Next articleમેઘ કહેરઃ ઉંમરપાડામાં ૧૧ ઇંચ વરસાદ