ડભોઈ છત્રાલ ગામના લોકો ત્રણ દિવસથી ભૂખ્યાં-તરસ્યાં

545

વડોદરા શહેર અને જિલ્લામાં ભારે વરસાદને પગલે તમામ નદી અને નાળા છલકાઇ ગયા છે. જેને પગલે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કનાયડા, ગામડી અને છત્રાલ ગામોમાં હજુ પણ કમરસમા પાણી ભરાયેલા છે. છત્રાલ ગામના ૩૦ ઘરોમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાયેલા છે, જેથી અહીંના લોકો ભયંકર અને ત્રાહિમામભરી હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ લોકો પાસે ખાવા માટે અનાજ નથી. જેથી આ લોકો ભૂખ અને તરસ્યા જીવન વ્યતિત કરી રહ્યા છે. જો કે, કરૂણતા અને વરવી વાસ્તવિકતા એ છે કે, પાણીમાં ત્રણ દિવસથી ફસાયેલા આ લોકો સુધી હજુ સુધી તંત્ર પહોંચ્યુ નથી. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકના છત્રાલ ગામની નવીનગરી અને વસાહત વિસ્તારમાં ત્રણ દિવસથી કમર સુધી પાણી ભરાયેલા છે. અહીંના લોકોને જળચર પ્રાણીઓનો ડર સતત સતાવી રહ્યો છે. અહીંના લોકોને તંત્ર દ્વારા કોઇપણ જાતનું એલર્ટ આપવામાં આવ્યુ ન હતું. જેથી હવે કમર સુધી પાણી ભરાઇ જતાં લોકોને જાતે જ સ્થળાંતર કરવાનો વારો આવ્યો છે. અહીં લોકો ત્રણ દિવસથી હાલાકીનો સામનો કરી રહ્યા છે. તેમ છતાં તંત્ર અહીં ફરક્યું પણ નથી. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃધ્ધો-બિમાર લોકોની હાલત સૌથી કફોડી બની છે. તંત્રના આવા અમાનવીય અભિગમને લઇ સ્થાનિક લોકોએ રોષ સાથે જણાવ્યું હતું કે, અમે લોકો ત્રણ દિવસથી ભૂખ્યા-તરસ્યા છીએ. અમારી પાસે પીવા માટે પાણી પણ નથી. છેલ્લા ત્રણ દિવસથી અમે કમરસુધીના પાણીમાં ફસાયેલા પડયા છીએ પરંતુ હજુ સુધી તંત્રના માણસો કે અધિકારીઓ અહીં ફરકયાં સુધ્ધાં નથી.

 

Previous articleઆજે રૂપાણી શાસનના ૩ વર્ષ પૂર્ણ.. સીએમ દ્વારા ‘મનની મોકળાશ’ કાર્યક્રમની શરૂઆત
Next articleડાંગ અને નવસારીમાં ભારે વરસાદ