હેલ્મેટ અને સીટ બેલ્ટ વગરના પાંચ હજાર સરકારી કર્મચારીઓ ઝડપાયા

457

સામાન્ય વ્યક્તિઓ ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો દંડાય જ છે. પરંતું ટ્રાફિકના નિયમોને ધોળીને પી જતા સરકારી કર્મચારીઓને પાઠ ભણાવવા ટ્રાફિક પોલીસે વિશેષ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. જેમાં એક જ દિવસમાં વિવિધ સરકારી કચેરીઓ બહારથી પોલીસે હેલ્મેટ વગર અને સીટ બેલ્ટ પહેર્યા વિના વાહન હંકારતા પાંચ હજારથી વધુ કર્મચારીઓને ઝડપી લઈને ૫.૨૩ લાખનો દંડ વસુલ્યો હતો.

શહેરના તમામ વિસ્તારોમાં આવેલી સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસે ૫ ઓગષ્ટના રોજ આ ઝુંબેશનું આયોજન કર્યું હતું. જેમાં કલેક્ટર કચેરી, પાસપોર્ટ ઓફિસ, ઈન્ક્મટેક્સ ઓફિસ, પોસ્ટ ઓફિસ, મ્યુનિસિપાલિટીની કચેરીઓ, આરટીઓ કચેેરી, પોલીસ કમિશનર કચેરી, એસ.ટી. વર્કશોપ,  સરકારી સ્કુલો અને કોલેજોનો સમાવેશ થાય છે.

ટ્રાફિક પોલીસે આ કચેરીઓ બહાર કર્મચારીઓમાં આવવાના સમયે સવારે ૧૦.૩૦ વાગ્યે અને સાંજે છુટવાના સમયે ૬ વાગ્યે આ ઝુંબેશનું આયોજન કર્યું હતું. જેમાં સીટ બેલ્ટ વગર અને હેલ્મેટ વગર વાહન હંકારતા કર્મચારીઓને દંડ કરવામાં આવ્યો હતો. સૌથી વધુ કેસ મણીનગર અને ઈસનપુરમાં નોંધાયા હતા. જેમાં મણીનગર રેલવે સ્ટેશન સામે આવેલી કોર્પોરેશનની કચેરી, મણીનગર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી અને ઈસનપુરમાં આવેલી કોર્પોરેશનની કચેરી બહાર હેલ્મેટ વગર અને સીટ બેલ્ટ વગર વાહન હંકારતા ૬૨૧ કર્મચારીઓ પાસેથી રૃ.૬૨,૧૦૦ દંડ વસુલવામાં આવ્યો હતો. ટ્રાફિકના ડીસીપી તેજસકુમાર વી.પટેલના જણાવ્યા મુજબ એક અઠવાડીયા સુધી આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

Previous articleટ્રાફિક નિયમ ભંગ બદલ ૩૧૯ લાઇસન્સ છ મહિના માટે સસ્પેન્ડઃ ૩૬ કાયમી રદ
Next articleગાય દોડતાં ભૂવો પડયો : ગાય ભૂવામાં ખાબકી