રાજકોટમાં ધોધમાર ૧૬ ઇંચ વરસાદ

523

ગુજરાતમાં હાલ સર્વત્ર વરસાદ છે, જેમાં રાજકોટ પણ બાકાત નથી. રાજકોટમા ૨૪ કલાકમાં ૧૬૨ એમએમ વરસાદ પડ્યો છે. હજી પણ રાજકોટ શહેર જિલ્લામાં ધોધમાર વરસાદ ચાલુ છે. જેને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજકોટમાં ભારે વરસાદને લઈને શહેરની અનેક સ્કૂલ અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. શહેર અને જિલ્લામાં સ્કૂલોના સંચાલકોએ વરસાદને પગલે આ નિર્ણય લીધો છે.

રાજકોટમાં ભારે વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાવના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. રાજકોટનું પોપટ પરાનું નાળુ પાણીમાં ગરકાવ થયું છે. તો શાસ્ત્રી નગરમા પાણી ભરાયા છે. લક્ષ્મીનગરનું નાળુ પાણીમાં ગરકાવ છે.

રેલનગર અંડર બ્રિજ પણ પાણીમા ગરકાવ થયો છે. આમ શહેરના મુખ્ય રાજ માર્ગો પર પાણી ફરી વળ્યાં છે. જૂના રાજકોટમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદને પગલે રાજકોટની જીવાદોરી સમાન આજી નદી ફરી ગાંડીતૂર બની છે. જેથી ફાયર બ્રિગેડ અને હઙ્ઘકિની ટીમ ખડેપગે ઉભી છે. શહેરમા મોટા ભાગના વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે.

રાજકોટમાં પડેલ ભારે વરસાદ ને પગલે તમામ જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. જેમાં ન્યારી-૧ ડેમમાં ૨.૫૦ ફૂટ, આજી-૧ ડેમમાં ૧.૮૦ ફૂટ, ભાદર ડેમમાં ૧.૫૦ ફૂટ નવા નીરની આવક થઈ છે. ન્યારી-૨ ડેમ ઓવરફ્લો થતા ૧૦ દરવાજા ૩ ફૂટ ખોલવામાં આવ્યા છે. ન્યારી-૨ ડેમમાંથી ૨૧,૨૩૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ન્યારી-૨ ડેમમાં પાણી છોડવામાં આવતા આસપાસના ૩ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજકોટ-ભારે વરસાદને કારણે ન્યારી-૧ અને ન્યારી-૨ ડેમના હેઠવાસમાં આવતા ૧૬ ગામોને એલર્ટ કરાયા છે. ન્યારી-૨ હેઠળ આવતા ગોકલપુર, રંગપર, તરઘડી, વિરપુર, પટી-રામપર, બોડી-ઘોડી, પડધરી અને ન્યારી-૧ હેઠળ આવતા ઇશ્વરીયા, વડ-વાજડીયા, વાજડીગઢ, વાજડી(વિરડા), હરિપર-પાળ, વેજાગામ, ખંભાળા, ઢાંકરિયા અને ન્યારા ગામને એલર્ટ કરાયા છે.

જૂનાગઢમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે શહેરના મધ્યમાં આવેલું  નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો થયું છે. ઉપરવાસમાં થઈ રહેલા અને ગીરનાર પર્વતમાળામાં થઈ રહેલા ભારે વરસાદના કારણે સતત પાણીની આવક ચાલુ છે. જેના કારણે ઓજી વિસ્તારના લોકો માટે પણ પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો છે.

Previous articleમાછીમારી કરવા ગયેલી ૩ હોડીઓ ડૂબી, ૩લોકોનાં મોત,  ૪૦ લાપતા
Next articleમચ્છુ ડેમ-૨ ઓવરફ્લો થયો : મોરબી-ટંકારામાં ૧૧ ઇંચ