બેંકીંગ ક્ષેત્રે ગ્રાહક સૂચનનો અહેવાલ આજે સુપ્રત કરાશે

446

દેશના અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા તેમ જ બેંકોની સ્થિતિ અને આર્થિક તરલતા વધુ સુદ્રઢ કરવાના આશયથી કેન્દ્ર સરકારના નિર્દેશાનુસાર, દેશની વિવિધ ખાનગી અને રાષ્ટ્રીયકૃત બેંકો તરફથી બેંકીંગ સેક્ટરમાં ગ્રાહકોના ફિડબેકથી માંડી મુખ્ય સમસ્યા અને મુશ્કેલીઓ સહિત તમામ બાબતોને લઇ ઝોન વાઇઝ સેમીનાર યોજવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારના સાહસ અને વિશ્વકક્ષાની બીજી નાણાંકીય સંસ્થાઓ પૈકીની અતિવિશ્વાસુ એવી યુકો બેંક દ્વારા પણ શહેરમાં બે દિવસીય ખૂબ મહત્વના મંથન-સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બેંકીંગ ક્ષેત્રમાં ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ, બેંકીંગ સેકટરના પડકારો, એમએસએમઇ, ડિજિટલ પેમેન્ટ, કોર્પોરેટ ગર્વર્નન્સ, એગ્રીકલ્ચર ફાયનાન્સ, રિટેઇલ ક્રેડિટ સહિતના વિવિધ મુદ્દાઓ પર મહત્વની ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી. તો સાથે સાથે ગ્રાહકોના મહત્વના ફીડબેક મંગાવવામાં આવ્યા હતા અને અગત્યના સૂચનો-ભલામણો તારવવામાં આવ્યા હતા. યુકો બેંક સહિતની તમામ બેંકો હવે આવતીકાલે આ તમામ વર્કશોપ્સ, સેમીનાર અને કાર્યક્રમોમાં મેળવાયેલા ફીડબેક, ભલામણો અને તારણોના નિષ્કર્ષ અંગેનો મહત્વનો રિપોર્ટ આવતીકાલે કેન્દ્ર સરકારને સુપ્રત કરશે એમ અત્રે યુકો બેંકના એમડી અને સીઇઓ એ.કે.ગોયલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશની અગ્રણી બેંકોની જેમ યુકો બેંક પણ દેશના વિકાસમાં સહયોગ આપવાના આશયથી અને દેશના અર્થતંત્રને વધુ વેગવંતુ બનાવવાના ભગીરથ કાર્યમાં પોતાના તરફથી મહત્તમ યોગદાન આપવા તત્પર છે.

ઝોન વાઇઝ બેંકોના આ સેમીનાર બાદ યુકો બેંક દ્વારા આગામી તા.૨૨ અને ૨૩ ઓગસ્ટના રોજ સ્ટેટ લેવલના સેમીનાર અને ત્યારબાદ નેશનલ સેમીનારમાં મહત્વની ભૂમિકા અદા કરવામાં આવશે.

દેશમાં કુલ એનપીએનું પ્રમાણ આઠ લાખ કરોડથી ઘટીને છ લાખ કરોડ પર આવ્યું છે અને આગામી દિવસોમાં તે વધુ ઓછુ થશે તેવી અમને આશા છે. બેંકીંગ સેક્ટરમાં પોતાની વિકાસગાથા કંડારવા માટે યુકો બેંક દ્વારા સંકલ્પ-૨૦૨૦ની પ્રતિબધ્ધતા વ્યકત કરવામાં આવી છે. જેમાં રૂ.એક લાખ કરોડની ડિપોઝીટ, ગ્રોસ એનપીએ ૨૪ ટકાથી ઓછુ, નેટ એનપીએ છ ટકાથી ઓછુ, રિકવરી રૂ.આઠ હજાર કરોડ, રિટેલ ગ્રોથ ૨૦ ટકા અને એમએસએમઇમાં ૨૨થી ૨૫ ટકા સુધીના લક્ષ્યાંક સેવવામાં આવ્યા છે, જેને બેંક મક્કમતાપૂર્વક હાંસલ કરી પોતાની આર્થિક તરલતા અને સ્થિતિ બેંકીંગ સેકટરમાં વધુ મજબૂત બનાવશે. યુકો બેંકના એમડી અને સીઇઓ એ.કે.ગોયલ અને ઝોનલ મેનેજર વિજયકુમારે વધુમાં ઉમેર્યું કે, સપ્ટેમ્બર માસના અંત સુધીમાં યુકો બેંક એનસીએલટી થ્રુ રૂ.૧૫૦૦ કરોડની રિકવરી કરશે, જેના કારણે બેંકનો ગ્રોથ રેટ નોંધનીય રીતે વધશે. દરેક કવાર્ટર દીઠ બેંક પોતાની આર્થિક સ્થિત વધુ મજબૂત બનાવતી જાય છે. દેશના અર્થતંત્રને મજબૂત બનાવવામાં આગામી દિવસોમાં બેંકોની ભૂમિકા ખૂબ મહત્વની બની રહેશે.

Previous articleઅફઘાનિસ્તાનમાં લગ્ન સમારોહમાં આત્મઘાતી હુમલોઃ ૬૩ લોકોના મોત,૧૮૨થી વધુ ઘાયલ
Next articleબુલેટ ટ્રેન : અધિગ્રહણ પ્રક્રિયા ડિસે. સુધી પરિપૂર્ણ કરાશે