ગાંધીનગરમાં કમળો, ટાઇફોઇડ, ડેન્ગ્યું, ચિકૂનગુનિયાના કેસો નોંધાયા

414

ગાંધીનગરમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળાના વાવરની શરૂઆત થઇ ચૂકી છે. તેમાં ગંભીર કહેવાતી બીમારીઓના દર્દીઓ મળ્યાં છે. શહેરી અને ગ્રામ્ય આરોગ્ય તંત્રે રોગચાળા સામે અગમચેતી માટે પખવાડિયા પહેલાથી કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ નોંધાયા છે, તેમાં સૌથી વધુ મેલેરિયાના ૧૧, ટાઇફોઇડના ૯, કમળાના ૮, ડેન્ગ્યુંના ૭ અને ચિકનગુનિયાનો ૧ કેસ નોંધાયો છે. મહાપાલિકા વિસ્તારમાં છેલ્લા બે દિવસ દરમિયાન ઘરે ઘરે કરાઇ રહેલી તપાસ દરમિયાન ૧૩૭ ઘરમાંથી મચ્છરના બ્રીડિંગ મળી આવતાં જરૂરી પગલા લેવાયાં હતાં.

મહાપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ. કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું કે શહેરી વિસ્તારમાં મચ્છર નાશક કામગીરી માટે ૯ ટીમને કાર્યરત કરાઈ છે, દરેક ટીમમાં ૫ માણસોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સોમ અને મંગળવારે મળીને સેક્ટર ૨, ૪, ૬, ૧૧, ૧૪, ૨૩, ૨૫, ૨૭, ૨૮માં અને પાલજ તથા બાસણ વિસ્તારમાં ૯૩૬૮ ઘરે જઇને ૧૯,૭૮૯ પાત્રની કરાયેલી તપાસમાં ૭૬૫ પાત્રમાં મચ્છરના બ્રીડિંગ મળ્યા હતા. જ્યારે ૧૩૭ કિસ્સામાં તો ઘરની અંદર રહેલા પાત્રોમાં બ્રીડિંગ મળ્યું હતું અને જ્યાં બ્રીડિંગ મળી આવ્યા તેવા ઘરની આસપાસમાંથી ૧૨૧૫ બ્રીડિંગ મળી આવ્યા હતાં. તમામ સ્થળે દવાનો છંટકાવ કરાવવામાં આવ્યો હતો અને જ્યાં જરૂર હોય ત્યાં ફોગિંગની કામગીરી કરવામાં આવી હતી.

અમદાવાદમાં રોગચાળો ફેલાવાના ૧૫ દિવસ બાદ ગાંધીનગરમાં તેની શરૂઆત થવાનો ઇતિહાસ રહ્યો છે. અમદાવાદ પછી ગાંધીનગરમાં પણ રોગચાળાની શરૂઆત થઈ ગઈ છે. જેમાં સૌથી વધુ મેલેરિયાના ૧૧, ટાઇફોઇડના ૯, કમળાના ૮, ડેન્ગ્યુંના ૭, ચિકૂનગુનિયાનો ૧ કેસ નોંધાયો છે.

Previous articleસ્ટ્રીટલાઇટો બંધ રહેવાને કારણે અડધુ ગાંધીનગર અંધારપટ્ટમાં
Next articleચંદ્રયાન-૨ ચંદ્રની બીજી કક્ષામાં પ્રવેશ્યું : ઇસરો