બે પોલીસ જવાને પોતાના ખર્ચે શરૂ કરી લાઇબ્રેરી, ૧૫૦ વિદ્યાર્થીઓ મેળવે છે ઇન્ટરનેટ સહિતની ફ્રી સુવિધાનો લાભ

430

અમદાવાદના એસઓજીમાં ફરજ બજાવતા કેતન પરમાર અને ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નીકુંજ ચક્રવર્તીએ પોતાને નોકરીમાં જોડાતા પહેલા તૈયારી માટે પડતી તકલીફનો વિચાર આવ્યો અને બન્નેએ ભેગા મળીને અન્ય વિદ્યાર્થીઓ માટે વિના મુલ્યે એરકન્ડીશન અને ફ્રિ ઇન્ટરનેટ સુવીધા વાળી લાઇબ્રેરી શરૂ કરી છે. આ લાઇબ્રેરીમાં અભ્યાસ કરીને ગુજરાત સરકારમાં ૧૭ જેટલા વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. હાલ આ લાઇબ્રેરીમાં રોજના ૧૫૦ લોકો ૨૪ કલાક તૈયારી માટે આવે છે અને તેમાના માટે તમામ સેવા નિઃ શુલ્ક છે.બન્ને પોલીસકર્મીઓ પોતે પણ હવે આગળની સ્પર્ધાત્મક પરિક્ષા આપવા માટે તૈયારીઓ કરી રહ્યા છે.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા કેતનભાઇ પરમાર અને તેમના મિત્ર નિકુંજ ચક્રવર્તીએ લોકોને પોતાની સાથે જોડીને વિસ્તારના વિદ્યાર્થીઓને સરકારી નોકરી માટે તૈયારી કરવાની જરૂરીયાત પુરી કરવા લાઇબ્રેરી શરૂ કરી છે. આ લાઇબ્રેરી બનાવવા વિશે કેતનભાઇએ જણાવ્યુ હતુ કે, હું સંયુક્ત પરિવારમાંથી આવું છું.મારી માતા એવુ ઇચ્છતા હતા કે અમે બે ભાઇઓમાંથી એક ભાઇ પોલીસમાં નોકરી કરીએ આ માટે અમે તૈયારી કરવાની શરૂઆત કરી હતી. પરંતુ તે સમયે બાપુનગર વિસ્તારમાં તૈયારી કરવા માટેની પુરતી વ્યવસ્થા ન હતી. તેમજ અમે સંયુક્ત પરિવારમાંથી આવતા હોવાથી અમારા ઘરે વાંચવા માટે પુરતી જગ્યા અને સમય મળતો ન હતો. તેથી અમે ધાબા પર કોઇના ઘરે કે કોઇ પણ જગ્યાએ સમય કાઢીને વાંચતા હતા. આમ અમે તૈયારી કરીને પોલીસમાં નોકરી લાગ્યા હતા.

અમે પોલીસ કર્મચારી બન્યા બાદ બીજા વિદ્યાર્થીઓને પણ અમારા જેવી તકલીફ ન પડે અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ તક મળે તે માટે મે અને મારા મિત્ર નિકુંજે એક લાઇબ્રેરી શરૂ કરવાનુ નક્કી કર્યુ હતુ.પરંતુ કઇ રીતે કરીશુ તેનો અમને કોઇ ખ્યાલ ન હતો.આ વિસ્તારમાં એક કોમન પ્લોટ હતો ત્યા અમે આસપાસના લોકોને કહીને તેમની સંમતીથી જગ્યા મેળવી અને ત્યા એક રૂમ બનાવીને લાઇબ્રેરીની શરૂઆત કરી હતી. આ લાઇબ્રેરીમાં અમે ૫૦ લોકો એક સમયે સાથે બેસીને અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા છે તેની સાથે છોકાર અને છોકરીઓ સાથે અહિયા તૈયારી કરે છે.આ લાઇબ્રેરીમાં અમે સીસીટીવી કેમેરા,પીવાનુ ચોખ્ખુ પાણી અને હવે એર કન્ડીશન પણ લગાવ્યુ છે. અહિયા હવે અમે સવાર સાંજ અને રાત્રે એમ ૨૪ કલાક લાઇબ્રેરી ચલાવીએ છીએ.જેમાં ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ ભણવા આવે છે.

આ સાથે અહિયા અમે ઇન્ટરનેટ કનેક્ટીવીટી અને એક વ્યક્તિ પણ બેસે છે. જે વિસ્તારમાંથી આવતા તમામ લોકોને વિના મુલ્યે સરકારી પરિક્ષાના ફોર્મ ભરી આપે છે તેમજ કોલેજના ફોર્મ પણ વિના મુલ્યે ભરી આપીએ છીએ. હાલ અમે આ લાઇબ્રેરી બે મિત્રો ચલાવીએ છીએ. અહિયા અભ્યાસ કરીને ૧૭થી વઘુ સરકારી કર્મચારી બન્યા છે. આ વિસ્તારમાં રહેતા બાળકોને અમે સન્માનનો કાર્યક્રમ પણ રાખીએ છીએ જેમાં સીનીયર પોલીસ અધિકારીઓ તેમનુ સન્માન કરે છે, અમારૂ લક્ષ્ય છે કે આ લાઇબ્રેરીમાં વધારો કરીએ અને અહિ અભ્યાસ કરતા વધુમાં વધુ વિદ્યાર્થીઓ સરકારી નોકરીમાં જોડાય.

Previous articleપત્નીને પિયર જવાની ના પાડી ધમકી આપતા પતિએ ફોન પર તલાક આપ્યા
Next articleપથારીવશ યુવકે પૈસા માટે મિત્રને દરરોજના ૨૦૦૦ રૂપિયા લેખે ઘરમાં જુગાર રમવા જગ્યા ભાડે આપી