જમ્મુ કાશ્મીર પર પાકિસ્તાન બિનજરૂરી રીતે રડે છે : સિંહ

403

કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે લેહમાં ૨૬માં ખેડૂત-જવાન વિજ્ઞાન મેળાનું ઉદ્‌ઘાટન કર્યું હતું. કલમ ૩૭૦ની નાબૂદી બાદ કેન્દ્ર શાસિત પ્રદેશ બનેલા લડાખમાં પોતાના પ્રથમ પ્રવાસમાં પહોંચેલા રાજનાથસિંહે અહીં તમામ સ્થાનિક નેતાઓ સાથે વાતચીત કરી હતી. બીજી બાજુ કાર્યક્રમ દરમિયાન રાજનાથસિંહે પાકિસ્તાન ઉપર પણ આક્રમક અંદાજમાં પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, કાશ્મીર પાકિસ્તાનનું ક્યારેય ન હતું જેથી પાકિસ્તાનને રડવા માટેના કારણ સમજાતા નથી. જે ચીજ પાકિસ્તાનની હતી જ નહીં તે ચીજ માટે પાકિસ્તાન દ્વારા હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન કાશ્મીર માટે કેમ રડી રહ્યું છે તે સમજાતુ નથી. લેહમાં ૨૬માં ખેડૂત-જવાન વિજ્ઞાન મેળાનું ઉદ્‌ઘાટન કરવા માટે પહોંચ્યા બાદ પોતાના સંબોધનમાં રાજનાથસિંહે કહ્યું હતું કે, તેઓ પાકિસ્તાનને પુછવા માંગે છે કે, કાશ્મીર કોઇપણ સમયે પાકિસ્તાનનું ન હતું જેથી આને લઇને તેમને હોબાળો મચાવવાની જરૂર શું છે. પાકિસ્તાન બની ગયું છે તો અમે આનું સન્માન કરીએ છીએ પરંતુ કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાનનું કોઇપણ સ્થાન નથી. રાજનાથસિંહે કહ્યું હતું કે, કાશ્મીર અમારા આંતરિક ભાગ તરીકે છે. આને લઇને દેશમાં કોઇપણને ક્યારે પણ શંકા રહી નથી. વાસ્તવિકતા એ છે કે, પોક અને ગિલગિટ તેમજ બાલકિસ્તાન પર પાકિસ્તાને ગેરકાયદે કબજો જમાવેલો છે. પાકિસ્તાને હકીકતમાં પોકમાં નાગરિકોને માનવ અધિકારોના ભંગ ઉપર ધ્યાન આપીને સ્થિતિને સુધારવાના પ્રયાસો કરવા જોઈએ. રાજનાથસિંહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને હાલમાં જ કાશ્મીર ખીણની સ્થિતિને લઇને કેટલાક ઉશ્કેરણીજનક નિવેદનો કર્યા છે. આ ઉપરાંત પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સંઘને કાશ્મીરની સ્થિતિ અંગે એક પત્ર લખીને વાંધો ઉઠાવ્યો છે. તાજેતરમાં જ પાકિસ્તાન સરકારને ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, પાકિસ્તાન સાથે એજ વખતે વાતચીત શક્ય બનશે જ્યારે તે પોતાની ધરતી પરથી સંચાલિત આતંકવાદને ખતમ કરી નાંખશે.

જો આવું થશે નહીં તો પાકિસ્તાન સાથે વાત કરવા માટેના  કોઇ કારણ નથી. રાજનાથે કહ્યું હતું કે પાકિસ્તાન સાથે આગળ વાતચીત થશે પરંતુ સૌથી પહેલા પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર ઉપર વાતચીત થશે. રાજનાથસિંહે જોરદારરીતે પાકિસ્તાન ઉપર પ્રહાર કર્યા હતા. પાકિસ્તાને હાલમાં કલમ ૩૭૦ની નાબૂદી બાદ એક પછી એક અનેક એવા પગલા લીધા છે જેના લીધે સંબંધો વધુ ખરાબ થઇ શકે છે.

Previous articleઓગસ્ટા પ્રકરણ : મિશેલના જામીન પર ચુકાદો અનામત
Next articleસફળતા અને ફિટનેસ એકબીજા સાથે સંકળાયેલા છેઃ મોદી