રામદેવ પીર નવરાત્રિ મહોત્સવ આજથી પ્રારંભ

1763

અમદાવાદ શહેરની સાથે સાથે ગુજરાતભરમાં તથા દેશભરમાં રામાપીર નવરાત્રિની શરૂઆત થઇ રહી છે. આને લઇને શ્રદ્ધાળુઓ ખુબ જ ઉત્સુક છે. જુદી જુદી જગ્યાઓએ રામાપીરના મંદિરમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ ગાળા દરમિયાન રામાપીરને ધ્વજા ચઢાવવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના ઘીકાંટા ફોજદારી કોર્ટ સંકુલ પાસે નવતાડ ખાતે આવેલું અતિ પ્રાચીન શ્રી રામદેવ નિકલંક મંદિર દ્વારા આવતીકાલે તા.૩૧મી ઓગસ્ટથી તા.૮મી સપ્ટેમ્બર સુધી શ્રી રામદેવ નવરાત્રિ મહોત્સવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભાદરવા સુદ એકમ તા.૩૧ ઓગસ્ટથી ભાદરવા સુદ નોમ તા.૮મી સપ્ટેમ્બર સુધી ચાલનારા શ્રી રામદેવ નવરાત્રિ મહોત્સવમાં સતત નવ દિવસ સુધી લોકગાયક હેમંત ચૌહાણ, ભીખુદાન ગઢવી, જીગ્નેશ કવિરાજ, અરવિંદ બારોટ સહિતના ખ્યાતનામ કલાકારો, ભજનીકો અને સંતો-મહંતો દ્વારા સંતવાણી અને લોકસાહિત્યનું હજારો શ્રધ્ધાળુઓ અને ધર્મપ્રેમી જનતાને રસપાન કરાવવામાં આવશે. આપણી ભારતીય ધાર્મિક પરંપરા અને લોકસંસ્કૃતિના મૂલ્યોની જાળવણીના હેતુસર દર વર્ષે કળિયુગના જાગતા પીર શ્રીરામદેવ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે એમ અત્રે શ્રી રામદેવ નિકલંક મંદિરના મહંત શ્રી ધનસુખનાથજી બેચરનાથજી મહારાજે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઘીકાંટાનું નવતાડ ખાતેનું આ પ્રાચીન અને ચમત્કારિક શ્રીરામદેવપીરનું મંદિર શ્રીરામદેવપીર ભગવાને આપેલા ૨૪ પરચાઓને કાચની કલાત્મક કામગીરીથી કંડારવામાં આવ્યા છે., જે ગુજરાતમાં  કાચની ઉત્તમ અને બેનમૂન કલાકારીગરીને પ્રદર્શિત કરતું જોવાલાયક અને પરચાધારી યાત્રાધામ છે.

શ્રી રામદેવ નવરાત્રિ મહોત્સવનું આવતીકાલે તા.૩૧મી ઓગસ્ટના રોજ શનિવારે સવારે ૯-૦૦ વાગ્યે કળશ સ્થાપન અને રાત્રે ૯-૩૦ વાગ્યે મંગળદીપ પ્રગટાવી સંતવાણીનો શુભારંભ થશે.

તા.૮મી સપ્ટેમ્બરે નોમના દિવસે સવારે ૯-૧૫ વાગ્યે શ્રી રામદેવપીર ભગવાનને નિશાન(નેજા) ચઢાવાશે. ત્યારબાદ તા.ભાદરવા સુદ અગિયારસના દિવસે તા.૧૦મી સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦-૩૫ કલાકે કુંભ ઉથાપન અને ત્યારબાદ સાંજે ૬-૦૦થી રાત્રે ૯-૦૦ દરમ્યાન સંતો-મહંતો માટેનો વિશેષ ભંડારો યોજાશે. જેમાં અમદાવાદ સહિત રાજયભરમાંથી હજારો સંતો-મહંતો પધરામણી કરશે. શ્રી રામદેવ નિકલંક મંદિરના મહંત શ્રી ધનસુખનાથજી બેચરનાથજી મહારાજે વધુમાં ઉમેર્યું કે, શ્રી રામદેવપીર ભગવાન એ દ્વારકાધીશનો પ્રગટ અવતાર ગણાય છે. તો, એ હિન્દુઓના દેવ અને મુસ્લિમોના પીર તરીકે ઓળખાય છે. તેમણે પોતાના જીવનકાળ દરમ્યાન અનેક પરચાઓ આપી દીનદુઃખીયાના દુઃખદર્દ દૂર કર્યા હતા અને ધર્મ અને સત્યનો અમર સંદેશો ફેલાવ્યો હતો. તા.૩૧મી ઓગસ્ટથી તા.૮મી સપ્ટેમ્બર સુધી સતત નવ દિવસ સુધી શ્રી રામદેવ નવરાત્રિ મહોત્સવ દરમ્યાન રોજ રાત્રે ૧૧-૦૦ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી સંતવાણી અને લોકસાહિત્યની લ્હાણીનો અદ્‌ભુત લાભ ધર્મપ્રેમી જનતાને મળશે. નવ દિવસના આ મહોત્સવ દરમ્યાન માત્ર અમદાવાદ જ નહી, પરંતુ રાજયભરના ખૂણેખૂણેથી શ્રી રામદેવપીરના ભકતો અને શ્રધ્ધાળુઓ ભકિતરસ લોકસાહિત્યની મોજમાં તરબોળ બનવા પધારશે. શહેરની મધ્યમાં આવેલું આ પ્રાચીન શ્રી રામદેવપીર નિકલંક મંદિર બહુ ચમત્કારિક અને મનને શાંતિ આપનારું હોવાની ભકતોમાં બહુ દ્રઢ માન્યતા છે.

Previous articleશ્રાવણ માસનાં છેલ્લા દિવસે સોમનાથમાં શ્રદ્ધાળુ ઉમટ્યા
Next articleઇકોફ્રેન્ડલી દેશના નિર્માણ માટે લોકો સંકલ્પબદ્ધ બને