વિંગ કમાન્ડર અભિનંદનની કોકપિટમાં અંતે વાપસી થઇ

370

પાકિસ્તાનના એફ-૧૬ યુદ્ધવિમાનને ફૂંકી મારનાર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની આખરે આકાશમાં વાપસી થઇ ગઇ છે. પાકિસ્તાનની કસ્ટડીમાંથી છુટ્યા બાદ છ મહિના પછી વિંગ કમાન્ડરે હવાઈ દળના વડા બીએસ ધનોવાની સાથે મિગ-૨૧માં ઉંડાણ ભરી હતી. બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાની વિમાનોને ખદેડી મુકવા અને એફ-૧૬ જેવા આધુનિક યુદ્ધવિમાનને તોડી પાડનાર અભિનંદનને સ્વતંત્રતા દિવસના અવસરે વીરચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પઠાણકોટ એરબેઝથી વિંગ કમાન્ડર અભિનંદને મિગ-૨૧ના ટ્રેનર વર્ઝન મારફતે આકાશમાં એન્ટ્રી કરી હતી. આ પ્રસંગે તેમનો ઉત્સાહ વધારવા માટે હવાઈ દળના વડા ધનોવા પણ વિમાનમાં રહ્યા હતા. ધનોવા પણ મિગ-૨૧માં પાયલોટ રહી ચુક્યા છે. તેઓએ કારગિલ યુદ્ધના સમયે ૧૭ સ્કોડ્રોનનું નેતૃત્વ કરીને મિગ-૨૧ વિમાન ઓપરેટ કર્યા હતા. બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદન એક ચહેરા તરીકે બની ગયા હતા. અભિનંદન ભારત પરત ફર્યા બાદ તેમની બીજી વખત વિમાન ઓપરેટ કરવાની પ્રક્રિયાને લઇને ભારે સસ્પેન્સની સ્થિતિ હતી. અલબત્ત એરફોર્સ વડા ધનોવાએ સ્પષ્ટતા કરી હતી કે, મેડિકલ ફિટનેસ બાદ જ અભિનંદનને ફરી વિમાન ઓપરેટ કરવાની તક આપવામાં આવશે. ગયા મહિનામાં આઈએએફ બેંગ્લોરની ઇન્સ્ટીટ્યુટ ઓફ એરોસ્પેશ મેડિસિને અભિનંદનને ફરીવાર ઉંડાણ ભરવાની મંજુરી આપી દીધી હતી. આ મંજુરી પહેલા અભિનંદનના અનેક પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઉંડી મેડિકલ તપાસ કરવામાં આવી હતી. તમામ તપાસમાં અભિનંદન સંપૂર્ણપણે ફિટ જાહેર થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૪મી ફેબ્રુઆરીના દિવસે પુલવામામાં ત્રાસવાદીઓએ ભીષણ આત્મઘાતી હુમલો કર્યો હતો જેમાં સીઆરપીએફના ૪૦થી વધારે જવાન શહીદ થયા હતા. ભારતે આનો બદલો લેવા માટે ત્યારબાદ પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી. ૨૭મી ફેબ્રુઆરીના દિવસે ભારતીય સરહદમાં ઘુસેલા પાકિસ્તાનના યુદ્ધવિમાનોનો મિગ-૨૧ બાયસનથી પીછો કરીને અભિનંદને એલઓસી પાર કરીને પાકિસ્તાન વિમાનને ફૂંકી માર્યું હતું. જો કે, તેઓ પોતે પણ વિમાન તુટી પડતા પાકિસ્તાનમાં પહોંચી ગયા હતા જ્યાં તેમને કસ્ટડીમાં પકડી લેવાયા હતા. વિમાન તુટી પડ્યા બાદ પેરાશૂટથી નીચે ઉતરતી વેળા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઉતરી ગયા પછી પાક સેનાના કબજામાં આવી ગયા હતા. પાકિસ્તાની સેનાએ પકડી લેવામાં આવ્યા બાદ પણ અભિનંદને જોરદાર સાહસનો પરિચય આપ્યો હતો જેની આજે પ્રશંસા થાય છે.

Previous articleદેશમાં ટ્રાફિકના નવા નિયમોને રેડ સિંગ્નલ : વિવિધ રાજ્યમાં વિરોધ
Next articleચંદ્રયાન-૨ : વિક્રમ લેન્ડરની ચંદ્ર તરફ કૂચ