વડોદરા : લેપ્ટોસ્પાઇરોસિસનો કેસ સપાટીએ આવતા દોડધામ

965

વડોદરા શહેરમાં આવેલા પૂરની સ્થિતિ બાદ સયાજી હોસ્પિટલમાં દાખલ થયેલી મહિલાનો લેપ્ટોસ્પાઇરોસિસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે વડોદરા શહેરનું આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયું છે. ખાસ કરીને રાજયમાં કોંગો ફિવરના કિસ્સાઓ બાદ હવે લેપ્ટોસ્પાઇરોસિસનો આ રોગચાળો વકરે નહી તે માટે તંત્ર દ્વારા તાકીદે કામગીરી શરૂ કરાઇ છે. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રહેતી ચંદ્રિકા લોહાણા(ઉ.વ. ૩૬)ને તાવ આવવાથી ૨૦ દિવસ પહેલાં વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ચંદ્રિકા લોહાણાની સારવાર દરમિયાન તબિયત વધારે લથડતા તેને બ્લડ રિપોર્ટ કરાવીને સેમ્પલ સુરતની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

આ દરમ્યાન આજે મહિલાનો બ્લડ રિપોર્ટ લેપ્ટોસ્પાઇરોસિસ પોઝિટિવ આવ્યો હતો. આ અંગે સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રાજીવ દેવેશ્વરે જણાવ્યું હતું કે, એક મહિલાનો લેપ્ટોસ્પાઇરોસિસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરંતુ સારવાર ચાલી રહી છે. લેપ્ટોસ્પાયરા નામના બેક્ટેરિયાથી ફેલાતો આ રોગ પ્રાણીઓ દ્વારા મનુષ્યના શરીરમાં ફેલાય છે. મોટા ભાગે કોઈ પણ પ્રકારનાં પાળતુ પ્રાણીઓ જેવાં કે બિલાડી, ગાય, કૂતરો, ઘોડો વગેરે પ્રાણીઓ દ્વારા આ રોગ મનુષ્યમાં ફેલાઇ શકે છે, પરંતુ સૌથી વધુ આ રોગ મુંબઈમાં ઉંદરો દ્વારા ફેલાય છે. જ્યારે ચોમાસામાં રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે, ત્યારે જો કોઈ વ્યક્તિને પગમાં કોઈ બીજી જગ્યાએ ઇજા થઇ હોય કે, પગમાં વાઢિયા હોય અને એ પાણી તેના ઘાના સંપર્કમાં આવે તો તરત જ એ બેક્ટેરિયા લોહી મારફત વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે. ઘરમાં ઉંદર હોય અને એનું યુરિન કોઈપણ ખાદ્યપદાર્થમાં ભળે, પ્રોવિઝન ર્સ્ટોસમાં જ્યાં ખાદ્યપદાર્થો ખુલ્લા પડ્‌યા હોય અને ઉંદરો ખૂબ વધારે હોય ત્યાં કોઈ પણ રીતે એમનું યુરિન ખોરાકમાં ભળી જાય તો પણ આ રોગ થઈ શકે છે. અમુક કેસમાં જોવા મળ્યું છે કે ઘરમાં ઉંદર હોય અને બાળકનાં રમકડાં પર એનું યુરિન લાગે અને એ રમકડું બાળક મોઢામાં નાખે તો બાળકને આ રોગ થઈ શકે છે.

આ ઉપરાંત જે જમીનમાં આ યુરિન ભળ્યું હોય અને એમાં ઉગાડેલી શાકભાજી આપણે ખાઈએ તો પણ આ રોગ ફેલાવાની શક્યતા છે.

Previous articleશિક્ષકો માટેની ’કાયઝાલા’ એપ મુદ્દે ફેર વિચારણા કરાશે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
Next articleરૂપાણીની અધ્યક્ષસ્થાને જિ.કલેકટરો અને ડીડીઓની સંયુક્ત પરીષદ યોજાઈ