અમિત શાહે ગરદનની પાછળ સર્જરી કરાવી : તરત રજા મળી

516

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શહેરમાં વૈષ્ણૌદેવી સર્કલ પાસે આવેલી કેડી હોસ્પિટલમાં આજે સવારે દાખલ થયા હતા. તેમને ગરદનના પાછળના ભાગે લિપોમાની નાનકડી સર્જરી કરવામાં આવી હતી. સર્જરી બાદ તેમને બે કલાકમાં રજા પણ આપી દેવામાં આવી હતી. જો કે, કેન્દ્રીય ગૃહમંત્રીના આજે સવારે અચાનક હોસ્પિટલમાં દાખલ થવાની ઘટનાને લઇ અનેક અટકળો અને તર્ક-વિતર્કો વહેતા થયા હતા. જો કે, બાદમાં હોસ્પિટલ સત્તાધીશોએ સ્પષ્ટતા કરી હતી. કેડી હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ડો. અદિત દેસાઈએ આ અંગે જણાવ્યું હતું કે, ગૃહમંત્રી અમિત શાહને સવારે ૯-૦૦ વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની એનેસ્થેસિયાની મદદથી સફળતાપૂર્વક પાછળના ભાગે ગરદન નીચે લિપોમાનું નાનું ઓપરેશન કરાયું હતું. નાનકડી સર્જરી બાદ તેમને રજા આપવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઇકાલે રાત્રે અમદાવાદમાં આવી પહોંચ્યાં હતા. અમદાવાદ એરપોર્ટ તેમનું સ્વાગત જીતુ વાઘાણી અને પ્રદીપસિંહ વાઘેલાએ કર્યું હતું. અમિત શાહ તેમના પારિવારિક પ્રસંગમાં હાજરી આપવા માટે તા.૪ અને ૫ સપ્ટેમ્બરે ગુજરાતમાં રહેવાના છે. શાહ રાજકીય મુલાકાતે નહી હોવાથી કમલમમાં પણ કોઇ ખાસ સૂચના અપાઈ ન હતી. ગૃહમંત્રી અમિત શાહ તા.૬ સપ્ટેમ્બરે વિજાપુર પાસેના હિરપુરા ગામે સાબરમતી નદીમાં આકાર પામનારા ૨૧૩ કરોડ રૂપિયાના બેરેજનું ખાતમૂહુર્ત કરશે. આ કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ કર્યા બાદ ગૃહમંત્રી અચાનક અમદાવાદ આવ્યાં છે.

Previous articleદ. ગુજરાતમાં મેઘમહેર : ઓલપાડ ૬ ઇંચ વરસાદ
Next articleકેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યપાલની શુભેચ્છા મુલાકાતે