અમદાવાદના સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટરો  દ્વારા ૧૮ થી પણ વધુ રોગોની સારવાર એક જ સ્થળે – વિભાવરીબેન દવે

504

ભાવનગર જિલ્લાના દર્દીઓને અતિ ખર્ચાળ ગંભીર રોગોની સારવાર સ્થાનિક કક્ષાએ જ વિનામૂલ્યે મળી રહે તે હેતુથી તા.૧૫/૦૯/૨૦૧૯ ના રોજ સવારે ૯ઃ૦૦ થી ૨ઃ૦૦ સુધી એસ.એન.ડી.ટી. મહિલા કોલેજ ભાવનગર ખાતે “માવતર” સંસ્થાના પ્રેરાણાસ્ત્રોત સ્વ. વિજયભાઈ દવેની પ્રથમ પૂણ્યતિથી નિમિતે માવતર સંસ્થા ભાવનગર, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તેમજ ભાવનગર મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ તથા સંલગ્ન હૃદય ,કિડની,કેન્સર,અને સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટના ૧૫૦ થી વધુ સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટરો તેમજ પેરામેડીકેલ સ્ટાફ ભાવનગર જિલ્લાના દર્દીઓને તપાસી નાનામાં નાના રોગથી લઈ ગંભીર બીમારીઓની સારવાર પૂરી પાડશે.આ કેમ્પનો પ્રચાર પ્રસાર બહોળા પ્રમાણમાં થાય તેમજ કેમ્પનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓને મળે તે હેતુથી રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે દ્વારા પત્રકાર પરીષદનુ આયોજન કરવામા આવ્યું હતુ.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે ભાવનગરના દર્દીઓને ગંભીર રોગોની સારવાર માટે દુર અમદાવાદ સુધી જવું ન પડે તેમજ ખર્ચાળ સારવાર લોકોને વિનામૂલ્યે સ્થાનિક કક્ષાએથી જ પ્રાપ્ત થાય તે આ મેગા મેડિકલ કેમ્પનો મુખ્ય હેતુ છે.

મેડિકલ કેમ્પ અંગે વધુ વિગતો આપતા રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ કેમ્પમાં સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા કેન્સર, કિડની, હૃદય, ફેફસા, ટી.બી., શ્વાસ-દમના રોગો, સ્ત્રી રોગ, કાન-નાક-ગળાના રોગો, આંખ, દાંત , બાળકોના રોગો, જનરલ સર્જરી-વાઢકાપ, લકવા તથા જ્ઞાનતંતુના રોગ,  માનસિક રોગો, ચામડીના રોગો, પેશાબ પથરીના રોગો, હાડકા, કરોડરજ્જુ વગેરે જેવા રોગોની તપાસ તથા સારવાર નિઃશુલ્ક કરવામાં આવશે તેમજ ઉપરોક્ત રોગોના દર્દીઓને સારવાર કેમ્પમાં કાર્ડિયોગ્રામ,સોનોગ્રાફી ૨ડ્ઢ ઇકો, મેમોગ્રાફી જેવા આધુનિક નિદાન ટેસ્ટ અને લોહી-પેશાબના ટેસ્ટ, ડાયાબિટીસ, હીમોગ્લોબિન ચેકઅપ , કૃત્રિમ હાથપગ(જયપુર ફ્રુટ), જન્મજાત, વાંકાચૂકા પગ(ક્લબ ફ્રુટ), કપાયેલ હોંઠ અને તાળવાના દર્દીઓને પણ વિનામુલ્યે તપાસ અને સારવાર અપાશે. આંખ માટે જરૂરી ચશ્મા તેમજ બહેરાશના સાંભળવાના મશીન પણ વિનામુલ્યે આપવામાં આવશે. દર્દીઓને મેડિકલ કેમ્પના સ્થળ સુધી લાવવા લઈ જવા માટે શહેરના તમામ હેલ્થ સેન્ટર ખાતે વિનામુલ્યે બસની સુવિધા પણ ઉપલબ્ધ કરાઇ છે. આ કેમ્પનો લાભ લેવા માટે તમામ વોર્ડના આરોગ્ય કેંદ્રો, સર.ટી હોસ્પિટલ, તેમજ જિલ્લા કક્ષાએ તમામ સી.એચ.સી., પી.એચ.સી સેન્ટર ખાતેથી અથવા ઓનલાઇન  https://in.opencampaign.com/vibhavari-dave-mega-medical-camp-registration  પરથી મોબાઇલ અથવા કોમ્પુટર દ્વારા રજીસ્ટ્રેશન કરી શકાશે.અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ૫,૫૦૦ દર્દીઓનું રજીસ્ટ્રેશન થઈ ચુક્યું છે અને હાલ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ છે.

Previous articleસુરકા પ્રાથમિક શાળામાં સ્વયં શિક્ષક દિન, શિક્ષક વંદના સમારોહ યોજાયો
Next articleતળાજા ની આરાધ્ય વિધાસકુલમાં શિક્ષક દિનની ઉજવણી