આર્થિક કટોકટીને સુધારવા નક્કર નીતિની જરૂર : રાહુલ

449

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થાની સ્થિતિ લઇને ગુરુવારે નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, આ સ્થિતિને વ્યવસ્થિત કરવા માટે દુષ્પ્રચારની નહીં પરંતુ મહત્વપૂર્ણ નીતિની જરૂર છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના સાક્ષાત્કારના હવાલા અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પહેલા સરકારે સ્વીકાર કરવું જોઇએ કે, અર્થવ્યવસ્થાને લઇને ભારે સમસ્યા છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, આ સમયે દુષ્પ્રચાર, મનઘડંત સમાચારો અને યુવાઓ અંગે મૂર્ખતાપૂર્વકની વાત કરવાની જરૂર નથી પરંતુ ભારતને એક મહત્વપૂર્ણ નીતિની જરૂર દેખાઈ રહી છે જેથી અર્થવ્યવસ્થાની સ્થિતિને યોગ્યરીતે લાવી શકાય. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પહેલા સ્વીકાર કરો કે અમારી સામે સમસ્યા છે. આનો સ્વીકાર કરવો જ સારી શરૂઆત તરીકે રહેશે. તેમણે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના જે સાક્ષાત્કારનો હવાલો આપ્યો હતો તેમાં પૂર્વ વડાપ્રધાનને કહ્યું હતું કે, નોટબંધી અને ખોટી રીતે જીએસટી લાગૂ કરવાના કારણે અર્થવ્યવસ્થાની સમસ્યા સર્જાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે આજે દેશના જીડીપી ગ્રોથમાં આવેલા ઘટાડાને લઇને મોદી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. આર્થિક મંદી માટે સીધીરીતે મોદી સરકારને જવાબદાર ઠેરવતા મનમોહનસિંહે કહ્યું હતું કે, આ મેન મેડ ક્રાઇસીસ તરીકે છે. યોગ્ય સંચાલન નહીં થવાના લીધે આ સમસ્યાઓ ઉભી થઇ છે. ટોચના અર્થશાસ્ત્રી મનમોહનસિંહે કહ્યું હતું કે, છેલ્લા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથરેટ પાંચ ટકા રહ્યો છે. આનાથી સમજી શકાય છે કે, દેશ લાંબા ગાળામાં મંદીના દોરમાં છે. ભારતની પાસે વધુ ઝડપથી ગ્રોથ કરવાની ક્ષમતા રહેલી છે પરંતુ મોદી સરકાર દ્વારા ચારેબાજુ ઝડપથી અયોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Previous articleહથિયારોથી સજ્જ ટ્રક અને ત્રણ આતંકવાદીની ધરપકડ
Next articleબંન્ને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે વાતચીત બાદ સમાધાન