રાજ્યના એક એક ઘર માટે આજે ભવ્ય પ્રસંગ : રૂપાણી

519

સરદાર સરોવર ડેમ જળાશય પૂર્ણ સપાટીએ પહોંચતા નર્મદા નીરના વધામણા, નમામિ દેવી નર્મદે, જળ ઉત્સવ આજે કેવડિયા ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મોદીના સંબોધન પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, આજે વડાપ્રધાનના હસ્તે સરદાર સરોવર જળાશયની જળરાશિ પૂર્ણ સપાટીએ ભરતા નીર બહાવવાનો ઐતિહાસિક અવસર છે. ૧૯૪૬માં સરદાર પટેલે નર્મદા ડેમ નિર્માણનું સપનું સેવ્યું હતું અને આજે આપણા વડાપ્રધાને આ સપનું સાકાર કર્યું છે. વધામણાની સાથે સાથે તેમનો જન્મદિવસ હોઈ સોનામાં સુગંધ ભળ્યા જેવો અવસર છે. ગુજરાતના એક એક ઘર માટે અવસરનો પ્રસંગ આવ્યો છે. મા નર્મદા અને નર્મદા યોજના આપણી વચ્ચે સાત સાત દાયકાથી રાજ્યનો પ્રાણ રહ્યો છે. અગાઉ ૧૨૧ મીટરે ડેમ ભરાતો હતો આજે ૧૩૮ મીટરની સપાટીએ પહોંચતા ૧૦૦૦૦ ગામ ૧૭૦ નગર અને ૧૮.૫ લાખ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા મળશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, મોદી તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન નર્મદા વિરોધી તત્વો સામે પડકારરુપ બન્યા હતા.

વડાપ્રધાન પદે શાસન દાયિત્ય સંભાળ્યા પછી માત્ર ૧૭ દિવસના ગાળામાં જ ડેમના દરવાજા બંધ કરવાની મંજુરી આપી હતી અને આજે ગુજરાતનું સપનું સાકાર થયું છે. ગુજરાત વિકાસની વધુ એક છલાંગ લગાવવા સમર્થ બન્યું છે. મોદીએ પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી હાંસલ કરવા કરેલા આહવાનને પૂર્ણ કરવા ગુજરાત એક માધ્યમ તરીકે બની રહેશે. મોદીની ઉપસ્થિતિમાં વિજય રૂપાણીએ ગુજરાતની વિકાસ કામગીરીની પણ વાત કરી હતી. કેવડિયાની મુલાકાતે પહોંચેલા મોદીએ મા નર્મદાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું.

Previous articleવેરાવળ, દિવ સહિતના અનેક પંથકમાં હજુ વરસાદી માહોલ
Next articleસુરતમાં PM મોદીના ૭૦માં જન્મ દિવસે ૭૦૦ ફૂટ લાંબી કેક કાપવામાં આવી