લો પ્રેશરની પરિસ્થિતિ વચ્ચે ગુજરાતમાં વરસાદી માહોલ

418

ગુજરાતના ગીરગઢડામાં ભારે વરસાદ થયો છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં પણ હળવો વરસાદ જારી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પૂર્વ મધ્ય પર સર્જાયેલા લો પ્રેશર વિસ્તારના લીધે વરસાદી માહોલ જામેલો છે. ૩૩ જિલ્લામાંથી ૨૬ જિલ્લામાં ગુજરાતમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે. ૧૩૯ તાલુકાઓમાં ૨૦થી ૪૦ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ ૧૪૨.૪૮ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૩૩.૭૪ ટકા સુધીનો વરસાદ થયો છે. આજે ગીરસોમનાથમાં ભારે વરસાદ પડ્યો હતો. ઉના પંથકમાં ભારે વરસાદ નોંધાયો છે. ઉમેદ પંથકમાં છ ઇંચ સુધીનો વરસાદ થયો છે. સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ રહ્યો છે. વલસાડ, લુણાવાડા અને બોરસદમાં પણ વરસાદ થયો છે. ગીરગઢડા પંથકમાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની ચેતવણી દક્ષિણ ગુજરાત માટે જારી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગો માટે પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છેજેમાં સૌરાષ્ટ્રના ગીરસોમનાથનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતમાં ભરુચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત વડોદરા, નર્મદામાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે.

રાજકોટ, જુનાગઢ માટે પણ ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. ૨૬ સપ્ટેમ્બર સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ફરીથી સાર્વત્રિક વરસાદની શક્યતા છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશરની નબળી સીસ્ટમ  સક્રિય થશે, જે આગળ વધીને આવતીકાલે ૨૦ સપ્ટેમ્બરે મુંબઇ-દક્ષિણ ગુજરાત સુધી પહોંચશે અને ફરીથી રિ-ડેવલપ થઇને મજબુત બનશે. મોન્સૂન ટ્રફ ગુજરાત તરફ નીચો આવશે, જેની અસર તા.૨૬થી ૨૭ સપ્ટેમ્બર સુધી રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસ સુધી રાજયમાં ભારે વરસાદની શકયતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના પંથકોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. જેમાં પણ નર્મદા, ભરૂચ, સુરત, ગીર-સોમનાથ, અમરેલી સહિતના પંથકોમાં સૌથી વધુ અસર રહેવાની શકયતા વ્યકત કરાઇ છે.

Previous articleધાનેરા : ફતેપુરાના બાળકનું શંકાસ્પદ કોંગો ફિવરથી મોત
Next articleMSMEને વધુ મોટી રાહત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય