NH-48 પર ઉભેલી ટ્રક સાથે એક્ટિવા અથડાતા યુવતીનું મોત

482

વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે નં-૪૮ પર રસ્તા પર ઉભેલી ટ્રક સાથે એક્ટિવા અથડાતા ૧૯ વર્ષીય યુવતીનું મોત નીપજ્યું છે. જ્યારે એક્ટિવા પાછળ બેઠેલી યુવતીની માતાને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. કેન્દ્ર સરકારે સુધારેલા મોટર વ્હીકલ એક્ટના કડક નિયમો છતાં મોતને ભેટેલી યુવતીએ હેલ્મેટ પહેર્યું નહોતું. યુવતીએ જો હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ તેનો જીવ બચી શક્યો હોત.

વડોદરા પાસે નેશનલ હાઇવે નં-૪૮ ઉપર આવેલા પોર ગામમાં રહેતી ઉન્નતિ ઉપાધ્યાય(૧૯) ગુરૂવારે રાત્રે તેની માતાને એક્ટિવા પર લઇને તરસાલી સ્થિત હોસ્પિટલમાં ગઇ હતી. જ્યાં હોસ્પિટલમાંથી કામ પતાવ્યા પછી ઉન્નતિ અને તેની માતા એક્ટિવા પર ઘરે જવા માટે નીકળ્યા હતા. આ સમયે રાત્રીના ૧૦-૩૦ વાગ્યાની આસપાસ નેશનલ હાઇવે નં-૪૮ ઉપર માતૃછાયા રેસ્ટોરન્ટ પાસે એક ટ્રકને પંચર પડતા ચાલકે ટ્રક રસ્તા પર ઉભી કરી દીધી હતી. આ સમયે હાઇવે પરથી પસાર થઇ રહેલી ઉન્નતિએ અચાનક જ સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને એક્ટિવા ધડાકાભેર ટ્રકની પાછળ ભટકાઇ ગઇ હતી.આ અકસ્માત સર્જાતા એક્ટિવા ચાલક યુવતીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સ્થળે પર જ મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલી તેની માતાને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી.

Previous articleરાજકોટમાં ઠેર-ઠેર પોલીસનો દરોડા : ૩ હજાર લીટરના દેશી આથાનો નાશ, ૨લોકોની ધરપકડ
Next articleધનજીનું વધુ એક કૌભાંડ..! કરોડોનું સોનુ માતંગી જ્વેલર્સમાં બિલ વગર ઓગાળાયું