લાખણી ગેળા પાસે દુર્ઘટનામાં ત્રણ સગા ભાઈના કરૂણ મોત

1103

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના લાખણી ગેળા પાસે સર્જાયેલા એક ગંભીર અને ગમખ્વાર અકસ્માતમાં ત્રણ સગા ભાઇઓના કમકમાટીભર્યા મોત નીપજયા હતા. બાઈક અને લકઝરી બસ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ સગા ભાઇઓ મોતને ભેટતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી તો, બીજીબાજુ, મૃતક યુવકોના પરિવારમાં તો જાણે શોકનો માતમ પથરાઇ ગયો હતો. મૃતકો જયાંના વતની હતા તે લાલપુર ગામના લોકો રીતસરના હીબકે ચઢયા હતા. આ અઁંગે પ્રાપ્ત માહિતી મુજબ,  લાખણી તાલુકાના લાલપુર ગામના ત્રણ ભાઈઓ તાલુકામથકે કોઈ કામ અર્થે વહેલી સવારે બાઇક પર જઈ રહ્યા હતા. ત્યારે ગેળા તરફથી આવતી લકઝરી બસ જીજે ૮ ઝેડ-૫૪૬૯ અને બાઈક જીજે૬ડીએફ-૩૩૧૭ સામસામી અથડાઈ હતી. જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે ત્રણેય ભાઈઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. બસમાં બેઠેલા દર્શનાર્થીઓ ગેળા હનુમાનજી મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા હતા. અકસ્માતમાં એક સગીર સહિત ત્રણ યુવકોના મોતને લઇ લકઝરી બસના મુસાફરોમાં પણ ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ત્રણ ભાઈઓના કમકમાટીભર્યા મોત થતાં લાલપુરથી મોટોભાઈ ઘટના સ્થળે દોડી ગયો હતો. નાના ભાઈઓની લાશ જોઈને તેની તબિયત લથડી હતી. તેને તાત્કાલિક સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં ભોગ બનેલા ભાઇઓના નામ મુકેશભાઈ લાધાજી પ્રજાપતિ (ઉ.વ.૨૦), રમેશભાઈ લાધાજી પ્રજાપતિ (ઉ.વ.૧૮) અને જીગરભાઈ લાધાજી પ્રજાપતિ (ઉ.વ.૧૬) હોવાનું સામે આવ્યું હતુ. સ્થાનિક પોલીસે સમગ્ર બનાવ અંગે જરૂરી તપાસ હાથ ધરી હતી. જો કે, અકસ્માતમાં એક જ પરિવાર ત્રણ સગા ભાઇઓના કરૂણ મોત નીપજતાં સમગ્ર પરિવારમાં શોકનો માતમ છવાઇ ગયો હતો.

Previous articleઆપણે સાથે મળીને આતંકવાદ સામે લડીશું : મોદી
Next articleપેટાચૂંટણી સંદર્ભે ઉમેદવાર પસંદગી માટે બેઠકોનો દોર