મુખ્યમંત્રીના હસ્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ટેબ્લેટ વિતરણ સહિતના કાર્યક્રમ

446

મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ વિશ્વકક્ષાની શૈક્ષણિક સુવિધાઓ અને આંતર માળાખાકિય સવલતો ધરાવતી ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓમાં વિદેશોના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ પ્રમાણમાં પ્રેરિત કરવા સ્ટડી ઈન ગુજરાત કેમ્પેઇન માટેની પ્રોત્સાહક પોલિસીની  જાહેરાત કરી છે.

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવા મહોત્સવનો પ્રારંભ અને ‘‘નમો ઈ-ટેબલેટ’’વિતરણ પ્રસંગે તેમણે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે,  ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સ. પેટ્રોલિયમ યુનિવર્સિટી  નિરમા યુનિવર્સિટી જેવી  વિવિધ વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીઓમાં હાલ ૨૦૦૦ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

ગુજરાતને ગ્લોબલ એજ્યુકેશન હબ બનાવવાની નેમ સાથે વધુ વિદેશી વિદ્યાર્થીઓને રાજ્યની અન્ય યુનિવર્સિટીઓમાં પણ ઉચ્ચ અભ્યાસ માટે વ્યાપક તક મળે અને પ્રવેશ  પ્રક્રિયા સહિતની  અન્ય  જરૂરી પ્રક્રિયાઓમાં પણ સરળતા રહે  દુવિધા ન પડે તે માટેના ચોક્કસ પગલાંઓ અને ધારા ધોરણો સાથે રાજ્ય સરકાર આ પ્રોત્સાહક પોલિસીને આગામી દિવસોમાં આખરી ઓપ આપવાની છે એમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતમાં ૨૦૨૨ સુધીમાં આવા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦ હજાર  સુધી લઈ જવા સાથે વિશ્વના દેશોના વધુ ને વધુ વિદ્યાર્થીઓ ગુજરાતની ધરતી પર ઉચ્ચ શિક્ષા દીક્ષા માટે આવે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા છાત્રોને ‘‘નમો ઈ-ટેબલેટ’’નું વિતરણ કર્યું હતું.

મુખ્યમંત્રી રૂપાણીએ વિકાસનો પર્યાય બનેલા ગુજરાતની પ્રગતિમાં યુવાનોના પ્રશસ્ય પ્રદાનની સરાહના કરી હતી, અને નવરાત્રિના પ્રથમ દિવસથી શરૂ થતો યુવક મહોત્સવ યુવાનોમાં નવી ચેતના જગાવનાર સાબિત થશે, એવો આશાવાદ પ્રગટ કર્યો હતો. મુખ્યમંત્રીએ રાજયની શિક્ષણ નીતિ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સંશોધન આધારિત શિક્ષણ વ્યવસ્થા અમલી બનાવાઇ છે, સ્ટાર્ટ-અપ પોલિસી થકી વધુને વધુ યુવાનો આગળ આવે તથા નવી નવી પેટન્ટ ગુજરાતના યુવાનોના નામે નોંધાય તેવી લાગણી પણ મુખ્યમંત્રીએ આ તકે વ્યક્ત કરી હતી.

‘‘ઉદ્યોગ કેન્દ્રિત રાજ્ય’’ની ઓળખ ધરાવતા ગુજરાતનો યુવાન નોકરી મેળવવા માટે નહીં, પરંતુ નોકરીનું સર્જન કરવા માટે પ્રેરિત થાય અને બેરોજગારી નિર્મૂલનમાં પોતાનો સહયોગ આપે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ આ પ્રસંગે રજૂ કરી હતી.

વડાપ્રધાન મોદીના આશા ભરેલા ‘‘નયા ભારત’’ના નિર્માણમાં રાજ્યનો યુવાન નિર્ણાયક ભૂમિકા ભજવવા આગળ આવે, તેવી હિમાયત મુખ્યમંત્રીએ ઉપસ્થિત છાત્રોને કરી હતી. રાજયસરકારે વિતરિત કરેલા ‘‘નમો ઇ-ટેબ્લેટ’’નો સદુપયોગ કરવા મુખ્યમંત્રીએ છાત્રોને આગ્રહ કર્યો હતો તથા રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવેલ વિવિધ વિદ્યાર્થીલક્ષી યોજનાઓની ટુંકી વિગતો તેમના વક્તવ્યમાં વણી લીધી હતી.

Previous articleબિહાર જળબંબાકાર : ઘણા વિસ્તારમાં ૮ ફુટ સુધી પાણી
Next articleપોતાની ભુલો છુપાવીને કોંગ્રેસે માહિતી લોકો સમક્ષ મુકી હતી