ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું : લોકોને રાહત

665

ગુજરાતમાં વરસાદનું જોર હવે ઘટી રહ્યું છે જેથી તંત્રને રાહત મળી રહી છે. સાથે સાથે સામાન્ય લોકો અને ખેડૂતોને પણ રાહત થઇ છે. હાલમાં અતિભારે વરસાદ છેલ્લા કેટલાક દિવસથી પડી રહ્યો હતો પરંતુ હવે સ્થિતિમાં સુધારો થયો છે. સાથે સાથે છેલ્લા ૨૪ કલાકમાં વરસાદનું જોર ઘટવાથી રાહત કામગીરીને તીવ્ર કરવામાં આવનાર છે છતાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૧ જિલ્લાઓના ૨૦૭ તાલુકામાં વરસાદ થયો છે. મહેસાણા જિલ્લામાં સતલાસણ તાલુકામાં સૌથી વધુ આઠ ઇંચ સુધીનો વરસાદ થયો છે. ૩૯ તાલુકાઓમાં બેથી ચાર ઇંચ સુધીનો વરસાદ ૨૪ કલાકમાં થયો છે. ગુજરાતમાં હજુ સુધી મોસમનો વરસાદ ૧૪૭.૩૬ ટકા નોંધાઈ ચુક્યો છે. વરસાદમાં બ્રેક પડતા હવે ખેલૈયાઓમાં ખુશી લહેર અને ખેડૂતોને પણ રાહત થઇ છે.  રાજયભરના ખેડૂતો અને નવરાત્રિના ખૈલેયાઓ માટે બહુ ખુશી અને રાહતના સમાચાર આજે હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યા હતા કે, હાલ ગુજરાત પરથી સાયક્લોનિક સીસ્ટમ હટી જતા હવે રાજયમાં વરસાદ નહીં પડે. રાજયમાં આવતીકાલથી વરસાદ પડે તેવી બહુ નહીવત્‌ શકયતા છે. અર્થાત્‌ નવરાત્રિના ખૈલેયાઓ હવે નવરાત્રિના બાકીના દિવસો મન ભરીને નવરાત્રિની મોજ માણી શકશે. હવામાન વિભાગની આ જાહેરાત બાદ એકબાજુ, નવરાત્રિના ખૈલેયાઓ ખુશીથી ઝુમી ઉઠયા છે, તો આયોજકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. બીજીબાજુ, રાજયના ખેડૂતો છેલ્લા કેટલાક દિવસોની સતત મેઘસવારીથી ત્રસ્ત હતા અને કપાસ, મગફળીના પાકની નુકસાનીને લઇ ચિંતિત હતા તેઓએ પણ હવે વરસાદ અટકતાં બહુ મોટી રાહતનો અનુભવ કર્યો હતો. રાજયમાં આ વર્ષે છેક નવરાત્રિ સુધી સાર્વત્રિક અને સતત વરસાદના કારણે રાજયમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક પંથકો અને વિસ્તારોમાં લીલા દુકાળનો ઓછાયો સર્જાયો છે.

ખેડૂતોને કપાસ, મગફળી, એરંડા, તલ સહિતના પાકને કરોડોનું નુકસાન થયું છે. બીજીબાજુ, નવરાત્રિના પ્રથમ બે દિવસ દરમ્યાન વરસાદનું જોર રહેતાં અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ખૈલેયાઓ અને આયોજકો ભારે નિરાશ થયા હતા. પરંતુ હવે વરસાદની વિદાય જાણે નિશ્ચિત બની ગઇ છે. હવામાન વિભાગ ડાયરેક્ટર  જયંત સરકારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સીઝનનો ૧૪૦ ટકાથી વધુ વરસાદ ખાબક્યો છે. હાલ ગુજરાત પરથી વરસાદી સીસ્ટમ હટી ગઈ છે. ડિપ્રેશન નબળું પડ્‌યું હોવાથી વરસાદની શક્યતા નહિંવત છે. હાલ ડિપ્રેશન રાજસ્થાન તરફ ફંટાયું છે. અમદાવાદમાં પણ વરસાદની બહુ ઓછી શક્યતા છે. વરસાદ હશે તો પણ તે હળવો હશે. હવામાન વિભાગની આગાહી મુજબ, હવે રાજયમાંથી વરસાદી સીસ્ટમ હટી ગઇ હોવાથી ખૈલેયાઓ માટે બહુ ખુશીના સમાચાર આવ્યા છે. તો, ખેડૂતો માટે પણ બહુ મોટી રાહતના સમાચાર કહી શકાય એમ છે. કારણ કે, છેલ્લા કેટલાય દિવસોથી રાજયમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના પંથકોમાં મેઘરાજાની અવિરત સવારીના કારણે ખેડૂતોના પાક તો નુકસાની પામ્યા હતા પરંતુ સાથે સાથે તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જેના કારણે અતિવૃષ્ટિવાળા અને લીલા દુકાળવાળા વિસ્તારો અને પંથકોમાં ભારે નિરાશા અને હતાશાની લાગણી પ્રસરી ગઇ હતી. જો કે, મેઘરાજાએ વિરામ લેવાની તૈયારી કરતાં આ વિસ્તારોમાં બહુ મોટી રાહત છવાઇ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના છેલ્લા ૨૪ કલાકમાં, ૩૧ જિલ્લાઓનાં ૨૦૭ તાલુકામાં વરસાદ પડ્‌યો છે. મહેસાણાના સતલાસણા તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ, ૧૨ તાલુકામાં ચારથી ૮ ઇંચ અને ૩૯ તાલુકામાં બે થી ચાર ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે. આકંડા પર નજર કરીએ તો કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૭૩ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૪૭ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૪૩ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૨૭ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૧૪૦ ટકા વરસાદ ખાબક્યો છે.

Previous articleમુખ્યમંત્રીએ વિભાવરીબેન દવેને મેગા મેડિકલ કેમ્પના સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા
Next articleરાણપુરની સી.એસ.ગદાણી સ્કુલમાં કાનુન,બાળસુરક્ષા અને ૧૦૮ ઈમરજન્સીની મોક ડ્રીલ યોજાઈ