ક્રિકેટ એડવાઇઝરી કમિટિમાંથી કપિલ દેવે રાજીનામું આપ્યું

618

લિવિંગ લેજન્ડ ક્રિકેટર અને ૧૯૮૩માં ક્રિકેટનો વર્લ્ડ કપ જીતનારી ટીમના કેપ્ટન હરિયાણા એક્સપ્રેસ કપિલ દેવે ક્રિકેટ એડવાઇઝરી બોર્ડમાંથી રાજીનામું આપ્યું હતું.

બીસીસીઆઇના એથિક ઑફિસર ડી કે જૈન દ્વારા કપિલને હિતોના ટકરાવ (કોન્ફ્લીક્ટ ઑફ ઇન્ટરેસ્ટ ) મુદ્દે નોટિસ મોકલાયા બાદ કપિલ દેવે રાજીનામું ધરી દીધું હતું. કપિલદેવની સાથે કમિટિના અન્ય બે સભ્યો ક્રિકેટર અંશુમાન ગાયકવાડ અને મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કેપ્ટન શાંતા રંગાસ્વામીને પણ આવી નોટિસ મોકલાઇ હતી.

મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિયેશનના લાઇફ મેમ્બર સંજીવ ગુપ્તાએ સીએસીના આ ત્રણે સભ્યો સામે ફરિયાદ કરી હતી. એના કહેવા મુજબ કપિલ દેવ સીએસીના સભ્યપદે રહેવા ઉપરાંત એક ફ્લડ લાઇટ કંપનીના માલિક છે એટલે પરસ્પર હિતો ટકરાય છે.

કાં તો તેમણે ફ્લડ લાઇટ કંપનીના હોદ્દેદારનું પદ છોડવું જોઇએ અથવા સીએસીનું સભ્યપદ છોડવું જોઇએ. અંશુમન સીએસીના સભ્ય હોવા ઉપરાંત એક એકેડેમીના સંચાલક હતા. શાંતા સીએસી અને આઇસીએ બંનેની સભ્ય હતી. આમ આ લોકો કોન્ફ્લીક્ટ ઑફ ઇન્ટરેસ્ટ ધરાવતા હતા.

હજુ તો ગયા વરસે આ ત્રણેએ સીએસીમાં સચિન તેંડુલકર. સૌરભ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણના સ્થાને સભ્યપદ સ્વીકાર્યું હતું. તેમની કમિટિએ આ વર્ષે પહેલાં મહિલા ટીમના વડા કોચની અને ત્યારબાદ રવિ શાસ્ત્રીની રેગ્યુલર ટીમના વડા કોચ તરીકે નિમણૂક કરી હતી. એની સામે મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિયેશનના લાઇફ મેમ્બર સંજીવ ગુપ્તાએ ફરિયાદ નોંધાવી હતી.

Previous articleપ્રથમ ટેસ્ટઃ રોહિત શર્માની ડેબ્યૂ ઑપનર તરીકે સદી,ભારતનો સ્કોર ૨૦૦ને પાર
Next articleપીએમસી કાંડ : યોગ્ય ઓડિટ વગર બધી પ્રક્રિયા ચાલી હતી