આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપઃ ભારતે પોતાનું નંબર-૧નું સ્થાન વધુ મજબૂત કર્યું

391

ભારતીય ટીમે આફ્રિકાને હરાવીને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. રવિવારે સમાપ્ત થયેલી ટેસ્ટ મેચમાં ભારતે આફ્રિકાને ૨૦૩ રનથી પરાજય આપ્યો હતો. આ જીત બાદ ભારતીય ટીમે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાનું પ્રથમ સ્થાન વધુ મજબૂત કર્યું છે.

ભારતને મળેલી આ શાનદાર જીત બાદ ડબ્લ્યુટીસીના પોઈન્ટ ટેબલમાં ૪૦ પોઈન્ટ મળ્યા છે. આ ૪૦ પોઈન્ટની સાથે ભારતીય ટીમે પોતાનું નંબર-૧નું સ્થાન વધુ મજબૂત કર્યું છે. ભારતીય ટીમ હાલમાં ૧૬૦ પોઈન્ટ અને સૌથી સારી નેટ રન રેટની સાથે પ્રથમ સ્થાન પર છે. ભારતે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પોતાની પ્રથમ ત્રણેય મેચ જીતી લીધી છે. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝને ભારતે ૨-૦થી પરાજય આપ્યો હતો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલા નવા પોઈન્ટ ટેબલમાં ભારત ૧૬૦ પોઈન્ટની સાથે પ્રથમ જ્યારે ન્યૂઝીલેન્ડ ૬૦ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. તો શ્રીલંકાની ટીમ ત્રીજા ક્રમે છે. મહત્વનું છે કે અત્યાર સુધી આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમે એકપણ મેચ રમી નથી.

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત બે દેશો વચ્ચે જો કોઈ ટેસ્ટ સિરીઝ બે મેચોની હોય તો, તેમાં એક મેચ જીતવા પર ૬૦ પોઈન્ટ મળશે. તો જો સિરીઝ ત્રણ મેચની હોય તો તેમાં એક મેચ જીતવા પર ૪૦ પોઈન્ટ મળશે. આ સિવાય ચાર મેચોની સિરીઝમાં એક મેચ જીતવા પર ૩૦ પોઈન્ટ મળશે, જ્યારે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝમાં એક મેચ જીતવા પર કુલ ૨૪ પોઈન્ટ મળશે.

Previous articleસાનિયા મિર્ઝાની બહેન અઝહરુદ્દીનના પુત્ર સાથે પરણશે
Next articleઈંગ્લેન્ડ ટીમના મુખ્ય કોચ તરીકે ક્રિસ સિલ્વરવુડની નિમણુંક